પૃષ્ઠ:Karanghelo.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૮ )

મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.” એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે “જય અંબે” “જય અંબે” બૂમ પાડી ઉઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બઈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.

તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબને અને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો. અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ, ત્યાં તેને સ્નાન કરાવ્યું, પછી તેણે પોતાને હાથે ઘણાં જ કિમતી વસ્ત્ર પહેર્યા, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બેન, ભોજાઈ વગેરે સગાંને વહેંચી આપ્યું, તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો, પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છુટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પાછી પોતાના ધણીના શબ પાસે આવી. તેનાં દર્શન કરવાને મોહલ્લાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાં થયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં, અને તેઓને તે આશીર્વાદ દેતી, કેટલીએક વાર ચુપ રહ્યા પછી તે બોલી, “સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરૂં દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપના ઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મોઈ, તેને બીજે જન્મે તે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પાછી વરી, એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.” તે સાંભળી લોકો “જય અંબે” “જય અંબે” બોલ્યા, તે વખતે સતી માએ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તેવડે સઘળી સૈભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા, અને બીજાઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીએક સ્ત્રીઓ પોતાનાં