પૃષ્ઠ:Karanghelo.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( પ૦ )

આવ્યું, તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીથરીયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતિ કીધી, “માતા પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હિંગળોકના હાથા મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.” તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતાં અંગારાઓ ખોબે ભર્યો, અને તે શહેર ઉપર ફેંકી બોલ્યાં. “જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્ય પ્રધાનને, તેનું ભલું ઈચ્છનારને, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હમેશને માટે કાઢી મુક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઉંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસ લોકમાં જવા જેવું છે, તોપણ તેનાં અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બેન, સગાં વહાલાં, ઈત્યાદિને જે પરમ દુ:ખ થશે તેનું કારણ જે રાજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની સ્ત્રીને પારકા લઈ જશે; તેની છોકરી દુ:ખ પામી પામીને પરપુરૂષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મુઓ તે કોઈ જાણશે નહીં; તેનું નામ નિશાની કાંઈ રહેશે નહી; તેના મહેલમાં તેના શત્રુ આવી વસશે; અને રાજાના પાપથી રૈયત દુ:ખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહિલ્લપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લુંટાઈ જશે, તેના વ્યાપારીઓ જડમૂળથી ઉખડી જશે; અને કેટલાએક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહી. રે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો, માટે રે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારૂં વાક્ય ફળિભૂત થજો. ”