પૃષ્ઠ:Karanghelo.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫૨ )

મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી, અને એક બાજુએથી અંદર પેંસવાનો રસ્તો રાખ્યો હતો. સ્મશાનમાં ગયા પછી સતી સુખાસનમાંથી ઉતર્યા. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ તે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મ્હોં હસતું તો નહીં તો પણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો, તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઉભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાએ નમસ્કાર કીધા, અને સૂર્ય તરફ નજર કરી બોલી –“ સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે; અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહી, પણ વસ્તુઓની અંદરનાં તત્વ તથા પ્રાણી માત્રના અંતઃકરણના વિચાર જાણે છે, માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મને શુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરૂં પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તે મને તમારો સ્પર્શ પણ થવા ન દેતા.” ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઉચું મ્હોં રાખી નીચે પ્રમાણે કીધી –

શાર્દૂલવિક્રીડિત છંદ.
દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીયા તણો,
પ્રાણી માત્ર રહી મહી તળ સહુ, આભાર માને ઘણો;
ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,
ગિરિ, સાગર, ઝાડ પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧
વાડી ખેતરનાં ફુલો મઘમઘે, રૂપે રળીઆમણાં,
ભૂમી ઘાસ છવાયલી ખુશનુમાં, શોભા તણી ના મણા;
કોટી કોટિ લવું જીવે પવનમાં, ન્હાસે રમે સૌ મળી,
આકાશે બહુ શોભતાં ખગચરે, ઉડે ફરે તે વળી. ર
ગાડી રાન મધે રહે વનચરો, ખાએ ખુશીમાં વસે,
લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછી ખસે;