પૃષ્ઠ:Karanghelo.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫૫ )


પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી, એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી પીડાયાં કરે છે. કીધેલાં માઠાં કામનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાંખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબકબીલો, નોકર ચાકર, તથા દુનિયાનું સઘળું બહારનું સુખ હોય છે તો પણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તો નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મુકે છે, એવી મહાદુ:ખદાયક અવસ્થા તે રજપૂત જે કરણ હતો તેના મનની હતી.



પ્રકરણ ૪ થું.

રે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી પડી? રાજાએ તે દહાડે મને ગામ જવાનો હુકમ કીધો તેની મતલબ હવે સમજાઈ. તે દુષ્ટ ચંડાળનો મારૂં ઘરજ ઉખેડી નાંખવાનો વિચાર હતો, એવો કૃતઘ્ની રાજા પૃથ્વી ઉપર કોઈ થયો જ નથી અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરી ગયા ત્યારે તેને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે ? કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે ? કેટલાં કાવતરાં કરવાં પડ્યાં છે ? અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવાં કેવાં મને વચન આપ્યાં છે ? પણ ત સઘળાં જુઠાં, 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી' એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કીધેલો ઉપકાર તે ભુલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દુધ પાઈને ઉછેર્યું કે તે મોટું થયા પછી પહેલાં તેણે મને જ ડંખ માર્યો. પણ એવી કૃતઘ્નતા પરમેશ્વર સાંખવાનો નથી, પણ ભવિષ્યની વાત શી કરવી ? હમણાં તો તેનાં દુષ્ટ કામનાં સારાં ફળ તે ભોગવે છે, જો તે દહાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં, અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દૈવની સામે કોણ ડાહ્યા છે? લખીત વાત