પૃષ્ઠ:Karanghelo.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( પ૬ )

સો ભવે પણ મટતી નથી. વિધાતાના જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામટું કોઈને પડ્યું જ નહી હશે. સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતઃકરણ કોતરવાને બસ છે; પણ તેની સાથે આ તો મારો નાનો ભાઈ જેને મેં લાડથી ઉછેરેલો, જેને મેં મારા છોકરા જેવો જાણેલો, તે આવે અકાળ મોતે મુએ એથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે! તેં તારો જીવ આપ્યો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તેં તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કરવું જોઈએ તેમ કરવામાં તેં તારો દેહ પાડ્યો તેથી તું હમણાં કૈલાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારૂં દુઃખ અર્ધું ઓછું થાય છે. પણ એટલું પણ દૈવને બસ ન લાગ્યું. હમણાં જેઠાશાને મોતીશા આવ્યો, તેના કહેવાથી જણાયું કે ગુણસુંદરી સતી થઈ. ને તેના સ્વામીની સાથે બળી મોઈ. એથી હરખાવું કે શોક કરવો તે સમજાતું નથી. ઘર તો જડમૂળથી ઉખડી ગયું. વંશવૃદ્ધિની તો હવે આશા રાખવી ફોકટ. પણ નામ તો અમર રહેવાનું. ગુણસુંદરીના સ્વાત્માર્પણથી આખા કુળની, આખી ન્યાતની પ્રતિષ્ઠા વધી, અને મારી સાત પહેડી તરી. શી માણસની અવસ્થા છે ! મોટાઈ કેવી અનિશ્ચિત છે ! આજ છે અને કાલે નથી. જેવું બીડમાંનું સુકું ઘાસ, જેને બળતાં જરા પણ વાર લાગતી નથી; સૂર્યાસ્ત થતી વખતની જેવી છાયા, તે વખતે તો તે ઘણી મોટી દેખાય છે, પણ થોડી વાર પછી નહીં સરખી થઈ જાય છે; તે તો એક નિદ્રાનું સ્વપ્નું, જાગ્યા એટલે કાંઈ મળે નહી. દસેરાને દહાડે કેવી સ્થિતિ હતી, અને આજ કેવી? આશરે દશ કોશ સુધી દમ ખાધા વિના પગે ચાલીને હું ઈહાં આવી પહોંચ્યો. મારા બધા ચાકર, સિપાઈ આજ કયાં ગયા? હું તો એકલો ફરૂં છું, તો પણ હું જીવું છું એટલી મહાદેવજીની કૃપા છે. જો હું પણ મરી ગયો હોત તો એ દુષ્ટ રાજા સુખેથી બેસત. પણ હું હવે તેનો કાળ થઈ ભટક્યાં કરીશ. અને તેને એક દહાડો પણ ચેન પડવા દઈશ નહીં, એનું વેર લીધા વિના રહેવાનો નથી. અરે! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગૃત