પૃષ્ઠ:Karanghelo.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૨ )

હતું. તેની આસપાસ મજબુત કોટ હતો, તેમાં દેવીના પૂજારા, નોકર ચાકરો તથા જાત્રાળુ લોકોને રહેવાને માટે ધર્મશાળાઓ હતી. તેમાં એક નાનું લશ્કર પણ રહેતું હતું, પણ માણસના બળ તથા શસ્ત્રવડે અંબા માતાનું રક્ષણ થાય છે એમ ના કહેવાય માટે બહાર દરવાજો રાખવાને અંબા માતાએ ના કહી હતી. આ દહેરામાં જેનું પૂજન થતું હતું તે મહાદેવની પત્ની, હિમાચળ તથા મેનાની પુત્રી દુર્ગા હતી, ચાંપાનેર આગળ પાવાગઢ ઉપર તેનું ઉગ્ર તથા સર્વ ભક્ષક કાળકાનું રૂપ છે તેવું ત્યાં નહતું પણ ભવાની એટલે સ્વયંભૂની કામ કરવાની શક્તિનું તથા અંબાજી એટલે સૃષ્ટિની માનું રૂપ હતું. આરાસુરનું દહેરું ઘણું પ્રાચીન કાળથી ત્યાં હતું. એવું કહેવામાં આવે છે કે એ ઠેકાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બાળક હતા ત્યારે તેના વાળ લેવડાવ્યા હતા, અને ત્યાર પછી જ્યારે રૂક્ષમણીને શિશુપાળની સાથે પરણવા ન દેતાં તેને ભગવાન લઈ ગયા, ત્યારે તે દેવીનું પૂજન કરવા આવી હતી તે આ ઠેકાણે જ આવી હતી. હજારો વર્ષ થયાં જાત્રાળુ લોકો ત્યાં આવતા તેથી સઘળું આંગણું ઘસાઈ ગયું હતું.

એ દહેરામાં માધવ અને મોતીશા આવ્યા, એક ધર્મશાળામાં ઉતર્યા, અને રસોઈપાણી કરી થાક ખાઈ સાંજની વખતે માતાજીનાં દર્શન કરવા ગયા. માતાજીનું સ્વરૂપ જુદા જુદા લોકોને જુદું જુદું દેખાય છે ખરૂં, પણ માધવને તો જુદાં જ દર્શન થયાં. માતાનો વેશ મ્લેચ્છનો હતો, તેના એક હાથમાં ખડગ હતું, અને બીજા હાથમાં એક માણસની ચોટલી હતી, માતાનું આવું રૂપ જોઈને તે આશ્ચર્ય પામી ઉભો રહ્યો, અને વધારે જોય છે એટલામાં તો માણસ જોર કરી માતાજીના હાથમાંથી નીકળી ગયો, અને તેના હાથમાં તેની ચોટલી રહી ગઈ એવું દીઠું, તેનો અર્થ શું હશે એ વિષે તે ઉંડા વિચારમાં પડ્યો, એટલામાં સિદ્ધપુરનો રૂદ્રમાળાની ધર્મશાળામાં આવેલું સ્વપનું તેને યાદ આવ્યું, તે ઉપરથી તેણે અટકળ કીધી કે મ્લેચ્છનો અર્થ મ્લેચ્છ અથવા તર્ક લોકોને દિલ્હીનો રાજા, અને પેલો માણસ એટલે ગુજરાતનો કરણ રાજા, એ ઉપરથી દિલ્હીનો તુર્ક રાજા કરણને સપડાવશે,