પૃષ્ઠ:Karanghelo.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૪ )

ત્યાં પૂજારીને તે જગાનો મહિમા પુછ્યો, ત્યારે તેણે નીચે પ્રમાણે એક વાત કહી, “કોઈ વખત ઉપર માતાજીની ગાયો ગોવાળીયાની બીજી ગાયોની સાથે આખો દહાડો ચરતી, અને રાતની વખતે આ પહાડમાં પાછી આવતી, એ ગાયો કોની છે તે જાણવાનું પેલા ગોવાળીયાને ઘણું મન થયું, અને ગમે તે થાય તો પણ એ ગાયનો ધણી શોધી કાઢી તેની પાસેથી ચરામણી માગવાનો તેણે નિશ્ચય કીધો. એક સાંજરે જ્યારે ગાય ધારા પ્રમાણે પોતાના ઘેર તરફ વળી, ત્યારે ગોવાળીયો તેની પાછળ ગયો, અને તેની સાથે પહાડમાં પેંઠો. પહાડમાં પેંઠા પછી એક અતિ શોભાયમાન મહેલ આવ્યો, અને તેમાં ઘણા વિશાળ ઓરડાઓ દીઠા, મુખ્ય ઓરડામાં એક હિંડોળા ઉપર માતાજીને બેઠેલાં જોયાં, તેની આસપાસ તેની ઘણીએક સખીઓ હતી. ગોવાળીયો હિંમત પકડીને માતાજી આગળ ગયો, અને પુછ્યું કે આ ગાય તમારી છે? તેણે હા કહી. તે ઉપરથી ગોવાળીયાને વધારે બોલવાની હિંમત આવી. તે બોલ્યો:– “મેં આ ગાયને બાર વર્ષ થયાં ચરાવી છે, માટે હવે મને તેની ચરાઈ આપવી જોઈએ.” માતાજીએ તેની પાસે એક બઈરી ઉભી હતી તેને આજ્ઞા કીધી કે ભોંય ઉપર જવનો ઢગલો પડેલો છે તેમાંથી થોડાએક તેને આપો, તેણે એક સુપડું જવે ભર્યું, અને ગોવાળીયાને આપ્યું. તેણે તે લીધું, અને નાઉમેદ થઈને તથા ખીજવાઈને ઘરની બહાર નીકળ્યો, અને આંગણું આગળ જવ ભોંય ઉપર નાંખી દીધા. પોતાને ઘેર જઈ જોયું તો તેના લુગડાં ઉપર ઘણી ઉંચી જાતના સોનાના કેટલાએક રવા વળગેલા જોયા. ગોવાળીયાએ બીજે દહાડે ફરીથી પહાડમાં પેસવા માંડયું, પણ તેને રસ્તો જડ્યો નહી, અને માતાજીની ગાય પણ ફરીથી ચરવા આવી નહી.”

અંબાજીની પાસે એક નાની નદી ઉપર જંગલી ચંપેલી તથા બીજાં સુગંધીદાર કુલોની એક વાડી જેવું હતું ત્યાં કેટલાંએક સુંદર સફેદ આરસ પહાણનાં બાંધેલાં જૈનધર્મનાં દહેરાં હતાં, ત્યાં જવાનો મોતીશાએ આગ્રહ કીધો, અને તે જૈન થઈને તેની સાથે અંબાજી આવ્યા માટે તેના દહેરાં આગળ ગયા વિના માધવને ચાલે નહી,