પૃષ્ઠ:Karanghelo.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૫ )

તેથી તેઓ બંને ત્યાં ગયા. એ દહેરાં વિષે જે દંતકથા તેઓએ સાંભળી તે નીચે પ્રમાણે હતી:– “વિમળશાને માતાએ ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેણે ત્યાં પારસનાથનાં ત્રણસેં ને સાઠ દહેરાં બાંધ્યાં; પછી માતાજીએ તેને પૂછ્યું કે એ દહેરાં તેં કોની સહાયતાથી બાંધ્યાં ? ત્યારે તેણે જવાબ દીધો કે ગુરૂની સહાયતાથી. માતાજીએ એને એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યો, પણ ત્રણે વાર તેણે એને એ જ જવાબ દીધો. ત્યારે તેણે તેને કહ્યું કે, “અલ્યા, જેમ નસાય તેમ નાસ.” એક દહેરાંનું ભોયરું જેમાં થઈને દેવલવાડાનાં દહેરાંનાં ભોંયરામાં જવાતું હતું તેમાં તે ઉતર્યો, અને નીચેની સણગમાં થઈને આબુ પહાડ ઉપર નીકળ્યો, પછી માતાજીએ પાંચ સિવાય બધાં દહેરાં બાળી મુકયાં, અને એ વાત સૌ કોઈના જાણ્યામાં આવે માટે તે પાંચ જ રહેવા દીધાં, જે ત્રણસેં ને પંચાવન દહેરાં બાળી મુકયાં તેના બળેલા પથ્થર ભોંય ઉપર પડેલા હતા, તે જોઈ શાહને પક્કી ખાતરી થઈ કે શ્રી અંબાજી કોપાયમાન થઈને તેણે એ દહેરાં બાળી મુકયાં, તેથી તેણે આબુના દેવલવાડામાં એક દેવસ્થાન બાંધ્યું તે ઉપર માતાજીને શાંત કરવાને નીચે પ્રમાણે કેતરાવ્યું.

“તારા પાતરાં જેવા હાથ અશોકનાં ઝાડનાં પાતરાં જેવા રાતા છે. તું અતિ ઘણું સુંદર દીસે છે. તારો રથ કેસરી સિંહ ચલાવે છે. તારા ખોળામાં બે છોકરા છે, એવી તું સતી અંબિકા સદ્દગુણી પુરૂષોના પાપનો નાશ કર.”

“એક વાર રાત્રે વિમળશાને શાણી અંબિકાએ આજ્ઞા કીધી કે આ પહાડ પા૫રહિત જગા છે તે ઉપર યોગનાથનું એક સારૂં દહેરૂં બાંધ.”

“શ્રી વિક્રમાદિત્ય પછી એક હજાર અઠ્યાસી ચોમાસાં ગયાં એટલે ઈ. સ. ૧૦૩૨ માં અર્બુદાના શિખર ઉપર શ્રી આદિદેવનું વિમળે સ્થાપન કીધું તેને હું પૂજું છું.”

એ દહેરાંમાં મોતીશા તથા માધવે દર્શન કીધા પછી ત્યાંથી આબુના પહાડ ઉપર જવાનો તેમણે ઠરાવ કીધો. રસ્તો ઘણો જ