પૃષ્ઠ:Karanghelo.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૭ )

મૂર્તિ હતી. ત્યાં સવારે, બપોરે અને સાંજરે નોબત વાગતી હતી. તેના નાદથી તે જગ્યા ઘણી રણિયામણી લાગતી હતી. વશિષ્ટમુનિના દહેરા આગળ પથ્થરમાં લાંબાં પગથીયાં કાપી કાઢેલાં છે તે ઉપર થઈને ઉંચે ચઢવાનું હતું. તે ઉપર ચઢતાં ચઢતાં તેઓ આખરે આબુના સપાટ મેદાન ઉપર પહોંચ્યા. તે ઠેકાણે તેઓ ગયા ત્યારે જાણે એક નવા જગતમાં, વાયુમાં તરતા એક બેટમાં આવ્યા હોય એમ તેમને લાગ્યું. તેઓની આસપાસ ચોતરફ ઉંચીનીચી ટેકરીઓ હતી તે ઉપર નાનાં મોટાં ગામો હતાં. તેમાં એક સરોવર હતું, અને એક કરતાં વધારે નાળાં હતાં. તે સઘળી ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરી ઉપર એક મુનિનું નાનું દહેરૂં હતું તે ઉપરથી તેને મુનિનું શિખર કહેતા હતા; અને બીજી એક ટેકરી ઉપર અચળગઢનો પ્રસિદ્ધ કિલ્લો હતો.

આબુના સઘળા પહાડોમાં સૌથી ઉંચો મુનિ-શિખર હતો. તે ઉપર માધવ તથા મોતીશા ચઢ્યા. જ્યારે તેઓ ઉપર ગયા ત્યારે દક્ષિણ તરફથી ઠરી જવાય એવો ટાઢો પવન આવવા લાગ્યો તેથી તેએાએ કાળી કામળી શરીર ઉપર વિંટાળી અને એક ટેકરીની પાછળ ભરાઈને ભોંય ઉપર લાંબા થઈને સુતા. દેખાવ ઘણો ભભકાદાર તથા સુન્દર હતો. તેઓના પગ નીચે વાદળાં આવી રહ્યાં હતાં. અને તેમાંથી સૂર્યનાં કિરણ નીચે ઉતરતાં હતાં. એ ઉંચી, આંખે તમ્મર આવે એવી, ટોચની ઉપર એક નાનું ગોળ મેદાન હતું, તેની આસપાસ એક નીચો કોટ હતો. એક બાજુએ આશરે દશ ગજ ચોરસ ગુફા હતી તેમાં એક મોટો કાળો પથ્થર હતો તે ઉપર વિષ્ણુનો અવતાર જે દત્તભૃગુ તેનાં પગલાં હતાં, તે પાદુકા પૂજવાને માટે જ મોતીશા આટલું જોખમ ખમી ઉપર ચઢ્યો હતો, અને બીજા ખુણામાં સીતાભક્તોના મહાન્ ગુરૂ રામાનંદની પાદુકા હતી. આ ભયાનક સ્થલમાં તે પંથનો એક સાધુ હતો તેણે એક ઘંટ વગાડવા માંડ્યો, અને જ્યારે માધવે તેને દક્ષિણા આપી ત્યારે જ તે ઘંટ વગાડતો બંધ થયો. સાધુની પાદુકાની આસપાસ જાત્રાળુ લોકોની લાકડીઓનો ઢગલો પડ્યો હતો. તેઓ આટલી હિંમત ચલાવી ઉપર આવ્યા તેની યાદગિરીને વાસ્તે તે ઢગલો ત્યાં રાખવામાં આવ્યો હતો. પહાડના ઘણાએક ભાગમાં અગણિત