પૃષ્ઠ:Karanghelo.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૨ )

પૂર જોસથી આવવા લાગ્યા. વળી હવે તેઓ બંને એકલા પડ્યા, અને એના એ વિષય ઉપર વાત કરવા લાગ્યા, તેથી દિલની આગ હોલાવવાને બદલે તે વધારે જુસ્સાથી બળવા લાગી; વાટ ઘણી લાંબી દીસવા લાગી, ખાવાપીવા કાંઈ ભાવે નહી, અને તેઓને જો કોઈ સંગાત મળ્યો નહોત, જો એ પ્રમાણે થવાથી તેઓનું મન બીજા વિષય ઉપર ગયું નહોત, તો માધવ રસ્તામાં માંદો પડત, અને તેનું ધારેલું કામ સિદ્ધ કીધા વિના તેનો આત્મા તેનો દેહ મુકીને ચાલ્યો જાત. પણ ગુજરાતના દુર્ભાગ્યને લીધે તથા મ્લેચ્છ લોકોનો દહાડો ચઢતો તેથી તેમ બન્યું નહીં.

તે વખતે ગુજરાતના કેટલાએક લોકો એકઠા મળીને ગોકુળ- મથુરાંજીની જાત્રાએ જતા હતા તેઓ તેમને મળ્યા. આવો સંગાત જોઈને માધવ તથા મોતીશા પણ તેઓમાં સામેલ થયા, અને તેઓ બદ્રીકેદારનાથજીની જાત્રા જાય છે એમ તેઓએ બીજા લોકને કહ્યું, સંઘના લોકો જુદી જુદી જ્ઞાતિના હતા, તેઓ બપોરે કોઈ ઝાડ નીચે જુદા જુદા ચુલા બનાવીને રસોઈ કરતા અને તડકાનો વખત ગાળીને પાછલા પહોરના અને થોડી રાત જાય ત્યાં સુધી ચાલતા. કેટલાએક ઘોડા ઉપર, અને કેટલાએક ગાડામાં બેસીને મુસાફરી કરતા. એ લોકોના સમાગમથી માધવ તથા તેના સોબતીને ઘણી ગમત થઈ, અને તેથી રસ્તો પણ ઘણો નીકળી ગયો, એ સંઘમાં એક વાણિયાની ન્યાતની ઘરડી ડોશી હતી તે એટલી તો વહેમી હતી, તથા તેની પાસે જે પુંજી હતી તે જાળવવાની તેને એટલી તો ફિકર હતી કે બીજા લોકો જાત્રાએ જાય છે તે વખતે પોતાની માલમતા પોતાના ગામમાં સગાને અથવા કોઈ બીજા વિશ્વાસુ માણસને સોંપી આવે છે તેમ તે ડોશીએ કીધું નહતું, આશરે સો મહોર જે તેણે દળી ખાંડીને તથા બીજાં વહીતરાં કરી મેળવી હતી તેનું એક પોટલું બાંધીને તે પોતાની પાસે જ રાખતી, અને રાતે ઉંઘતી વખતે તે પોટલું તેની બગલમાં ઘણા જોરથી દાબીને સુતી, તેની ઉંઘ એવી કુતરાના જેવી હતી કે તેને કોઈ જરા અડકે તે જાગી ઉઠી શેરબકોર કરી આખો સંઘ