પૃષ્ઠ:Karanghelo.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૩ )

જગાડી દેતી, એ ડોશીની આવી રીતથી તેને સઘળા ચીઢવતા હતા. આખે રસ્તે મશ્કરી કરતા, અને રાત્રે ઘણી વાર તેને છેડીને વારે વારે તેને ભર ઉંઘમાંથી જગાડ્યાં કરતા હતા. તેને તે પૈસામાંથી એક પણ ખરચવો પડતો ત્યારે તેનો જીવ જ જવો બાકી રહેતો. જાત્રામાં ધર્મદાન થાય અને જે બાકી રહે તેમાંથી તેના મુઆ પછી ન્યાતમાં છૂટું ઘી પીરસાય એ તેની મોટામા મોટી ઉમેદ હતી. જીવતાં તો ન્યાતના તરફની આબરૂ મળી નહીં, ત્યારે મુઆ પછી ઉજવાવું અને ન્યાતના લોકો પાસે વાહવાહ કહેવડાવવી, એ તેને સ્વર્ગ જવા બરોબર ખુશી ઉપજાવનાર હતું; બલકે તેમ કીધાથી વૈકુંઠ જવાશે એમ તેને પક્કી ખાતરી હતી કેમકે તેનો એવો અભિપ્રાય હતો કે જેની મુઆ પાછળ વાહવા થઈ તે પરમેશ્વરને ત્યાં પણ સારી જ ગતિ પામે. તેનો એક ભત્રિજો તેની સાથે આવેલો હતો તે ઘણી ગરીબ હાલતમાં હતો, અને અગર જો તે ડોશીને કાંઈ છોકરાં નહતાં, અને પૈસા ખાનાર એ ભત્રિજા શિવાય બીજું કોઈ નહતું તો પણ જ્યાંસુધી તે જીવતી રહે ત્યાં સુધી તે ભત્રિજો ભુખે મરી જાય તો પણ તેને એક પૈસો પણ આપતી નહી. ડોસીનો વિચાર એવો હતો કે મરતી વખતે તે પુંજી ન્યાતના પટેલને સોંપવી, અને તેમાંથી તેના કહ્યા પ્રમાણે તેની મૈયતનો ખરચ થયા પછી જે બાકી રહે તે તેના ભત્રિજાને સોંપાવવું, એટલું છતાં પણ તે ડોશીનું તેના ભત્રિજા ઉપર ઘણું જ હેત હતું. અને તે જ્યારે માંદો પડતો ત્યારે તે મરશે તો પાછળ કોઈ પોતાને આગ મુકનાર રહેશે નહી એ ફિકરથી તે તેની પોતાના છોકરાના જેટલી બરદાસ્ત કરતી હતી તો પણ જ્યારે તે પૈસાના દુ:ખની વાત તેની આગળ કરતો ત્યારે તે વાત બદલી નાંખતી, અથવા મારી પાસે કાંઈ જ નથી એમ કહેતી. હવે ભત્રિજાને એવી ડોશી ઉપર હેત તો કયાંથી જ હોય ? ચાર દહાડા લાંઘણ કીધી હોય તો પણ ડોશી સુકો રોટલો પણ તેને ખવડાવે નહી તો એક પૈસો તો કયાંથી જ આપે ? માટે તે ડોશીની મરવાની ઘણી આતુરતાથી રાહ જોતો હતો, પણ જેમ તેની તેને મરવાની ઉતાવળ તેમ ડોશીનું આવરદા લાંબું થતું, અને તેને ઘણા ઘણા રોગ થઈ ગયા