પૃષ્ઠ:Karanghelo.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૪ )

તો પણ રીઢા વાસણની પેઠે તેના શરીરને જરા પણ નુકસાન લાગ્યું નહતું, ભત્રિજાની પૈસા તરફની અવસ્થા વધારે વધારે ખરાબ થતી ગઈ. અને ડોશીનો લોભ દહાડે દહાડે વધતો ગયો, જ્યારે ડોશી જાત્રાએ જવા નીકળી, ત્યારે તેને તે પૈસા સોંપશે એવી તેણે આશા રાખી તે પણ ભંગ થઈ, ત્યારે પોતાની પાસે જે કાંઈ સામાન હતો તે વેચીને તેના થોડાએક પૈસા ઉપજાવ્યા અને તે લઈ તે પણ ડોશીની સાથે જવા નીકળ્યો. ડોશીને તે જરા પણ પરવડયું નહીં, પણ શું કરે? લાચાર. ભત્રિજાએ જતી વખતે જ નિશ્ચય કીધો કે હવે વધારે વા૨ સબુરી ન રાખતાં રસ્તામાં જ તેને ઠાર કરવી અને તેના પૈસા લઈ લેવા, પણ તે એટલી તો જાગૃત રહેતી તથા ત્યાં લોકોની આખી રાત એટલી તો વસ્તી હતી કે તેના દુષ્ટ વિચાર તેનાથી હજુ સુધી અમલમાં મુકાયા ન હતા. તેને લાગે મળતો નહતો તેથી તે ઘણો હીજરાયા કરતો હતો, અને જેમ જેમ દહાડા જતા ગયા, તેમ તેમ તેના ખુની વિચાર વધારે દૃઢ થતા ગયા.

એક વખત મધ્યરાત્રે સઘળાં ભર ઉઘમાં પડેલાં હતાં તે વખતે પેલો ભત્રિજો ઉઠ્યો, અને તે ડોશી પાસે જઈ એકદમ તેણે તેની ગળચી પકડી, અને તે બુમ પાડવાને મ્હોં ઉઘાડે છે એટલામાં એક ચીથરાનો ડુચો તેમાં ઘાલી દીધો. પછી ડોશીની ગળચી એવા તેા જોરથી દાબી કે તે ગુંગળાઈને તુરત મરણ પામી. ત્યાર પછી તેની બગલમાંથી પોટલું કાઢી પાસેના ઝાડ નીચે એક ખાડો ખોદીને દાટયું. અને ત્યાં સારી પેઠે નિશાની રાખી પાછો સુઈ ગયો. બીજે દહાડે સવારે લોકો જ્યારે વહેલાં ઉઠ્યાં ત્યારે તેઓએ ડોશીને જગાડવા માંડી, પણ ડોશીમા તો સ્વધામ પધારેલાં, તેથી કાંઈ જવાબ દીધો નહી; ત્યારે તેને જગાડવા સારૂ તેની બગલમાં હાથ ઘાલ્યો, પણ પોટલું કાંઈ માલમ પડયું નહીં. તે ઉપરથી સઘળાઓને વહેમ પડ્યો ને દીવો મંગાવીને જોયું તો ડોશીને મુએલી જોઈ, પણ તેનું મોત શી રીતે થયું તે કોઈથી નક્કી થઈ શકે નહીં. એવી ગડબડ થતાં જ તેને ભત્રિજો ત્યાં દોડતો આવ્યો, અને એકદમ મોટે ઘાંટો કાઢી છાતી