પૃષ્ઠ:Karanghelo.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૭ )

કે ઈશ્વરે કૃપા કરી મને ધીરજ આપી, પછી તુરતજ પાણી કાઢી સ્નાન કીધું, અને ભીને શરીરે ઉની વાટ આગળ ગયો. ત્યાં જઈને તેણે ઘણીએક વાર સુધી મહાદેવ તથા માતાજીની સ્તુતિ કીધી. પછી સૂર્ય તરફ ફરીને હાથ જોડીને બેલ્યો:– “રે સૂર્યદેવતા, તું પ્રત્યક્ષ દેવ છે, તારાથી છાનું કાંઈ કામ થઈ શકતું નથી, તું સઘળા માણસના મનના વિચાર જાણે છે, માટે જો મેં ડોશીનું ખુન કીધું હોય તો આ વાટ પકડતાં જ મારા હાથ બળી જજો, અને મારા ઉપર જુઠો આરોપ આવ્યો હોય તો જેમ એક ફુલ ઉંચકું તેમ એ વાટ મારાથી ઉંચકાજો.” એટલું કહી વાટ ઉંચકવાની તૈયારી કીધી, પણ જ્યારે તે વાટને ધગધગતી જોઈ અને તેની નીચેની ધૂળ પણ તાપથી તપી ગયેલી લાગી, ત્યારે ફરી તેની હિંમત છુટી ગઈ, અને તે ત્યાંથી પાછો હઠતો હતો એટલામાં તે વાટ ઉપર એક કીડીની હાર ચાલતી હોય એમ તેને ભ્રાંતિ થઈ એ કીડીને ચાલતાં જોઈને તેને ફરીથી ધીરજ આવી અને તેણે તુરત વાટ ઉચકી પોતાની ડોકમાં ભેરવી દીધી. સઘળા લોકો એ તમાશો જોઈ વિસ્મિત થયા, અને માંહેમાંહે કહેવા લાગ્યા કે, આ દુષ્ટ કળિયુગમાં પણ પરમેશ્વર ઉંઘતા નથી, પણ તે સાચાને મદદ કરવાને હજી પ્રવૃત્ત રહે છે. કારભારીએ તે વાટ માધવની ડોકમાંથી કઢાવી નંખાવી અને તેને ઘણું માન આપી રાજાની પાસે લઈ ગયો તેણે તેને બ્રાહ્મણ જાણી તેનું પૂજન કરી કેટલીએક સોનાની મહોર બક્ષિસ કીધી. માધવે કોઈ વખત આગળ દક્ષિણા લીધી નહતી, તો પણ તે વખતે તેની પાસે ઘણા પૈસા નહતા, અને દિલ્હીમાં તેને પોતાનું ધારેલું કામ પાર પાડવામાં પૈસાની કેટલી બધી જરૂર પડશે તે વાત સારી પેઠે તે જાણતો હતો, તેથી ઘણું નાખુશીની સાથે તેણે તે વખતે મહોરો લીધી, અને મોતીશાને બોલાવી સંઘમાંથી જુદા પડી એકલાં મુસાફરી કરવાનો ઠરાવ કીધો.

પહેલે જ દહાડે તેઓ એકલા અને વાટ દેખાડનાર કોઈ ભોમીયો નહી તેથી ભુલા પડ્યા, અને ધોરી રસ્તો છોડીને એક