પૃષ્ઠ:Karanghelo.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૮ )

જંગલમાં પેંઠા, જેમ જેમ તેઓ આગળ ચાલતા ગયા તેમ તેમ જંગલ વધારે ગાઢું થતું ગયું, અને જ્યારે સાંજ પડી ત્યારે ત્યાં એટલું તો અંધારૂં થઈ ગયું કે એક ડગલું પણ તેઓનાથી આગળ જવાયું નહી. નિરાશ થઈને તેએાએ ઘોડાઓ ઉપરથી ઉતરીને ઘેાડા ઝાડ સાથે બાંધ્યા જંગલી જનાવરની દહેશતને લીધે તેઓ ઝાડ ઉપર ચઢી ત્યાં આખી રાત સુઈ રહેવાનો મનસુબો કરતા હતા, એટલામાં પાસેના ઝાડમાંથી બે બ્રાહ્મણો હાથમાં નાગી તલવાર લઈને તેઓની સામા ઉભા રહ્યા. જ્યારે તે ચારે જણની આંખ મળી ત્યારે બ્રાહ્મણો બોલ્યાઃ “યજમાન રાજા, કલ્યાણમસ્તુ, અમે દક્ષિણા લેવા આવ્યા છીએ.” માધવે આશ્ચર્ય પામીને તેઓની સામું જોઈને પૂછ્યું “ ગોરમહારાજ ! તલવાર ઉઘાડી રાખી દક્ષિણા માગતાં બ્રાહ્મણોને મેં મારી જીન્દગીમાં આજે જ જોયા. તમારી હકીકત કોઈ વિચક્ષણ હશે, માટે કૃપા કરી તમે કોણ છો, તથા તમારો ધંધો શો છે તે કહો.” બ્રાહ્મણ બોલ્યાઃ “યજમાન રાજા, અમે બે ભાઈઓ છીએ, અને અમે વેદાંતી ધર્મ પાળીએ છીએ. થોડાં વર્ષ ઉપર કાંઈ ધંધો ન મળવાથી અમે એવા તો દરિદ્રી થઈ ગયા, અને તેથી અમારી બાયડીઓ અમને એટલા તો રોજ ઠોક પાડવા લાગી કે કાંઈ પણ ધંધો કરવાનો અમે નિશ્ચય કીધો. એવામાં એક દહાડો એક વ્યાસજી વેદાંત ઉપર કથા કરતા હતા તે સાંભળવાને અમે બેઠા. કથામાં વ્યાસજી બેલ્યા: “આ જગત માયારૂપી છે ભાઈઓ, એક બાજીગરનો ખેલ છે, જેમ જાદુગર લોકો નજરબંધી કરી ધૂળ હોય ત્યાં પાણી દેખાડે છે તેમ માણસ સઘળું ખોટું દેખે છે, જગતમાં આત્મા અને પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, જે જે પ્રાકૃતિક પદાર્થ આપણી ઈંદ્રિયોવડે માલમ પડે છે તેઓ ખરેખર જગતમાં છે જ નહી એ તો માત્ર આભાસ છે, જેમ સ્વપ્નમાં આપણને હજારો વસ્તુ દેખાય છે, અનેક શબ્દ સંભળાય છે, અને સઘળાં ઈંદ્રિયસુખ મળે છે, પણ જાગ્યા એટલે તેમાંનું કાંઈ ત્યાં હોતું નથી, તેમ આ જગતમાં આપણી અવસ્થા સ્વપ્નવત્ છે, પદાર્થ કાંઈ છે જ નહી.