પૃષ્ઠ:Karanghelo.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૯ )

માટે રે ભાઈઓ, જગતમાં લોકો પૈસા મેળવવાને જે શ્રમ કરે છે તે સઘળો મિથ્યા છે. જેટલું લોકો મારુંતારું કરે છે, તે ફોકટ છે. અલ્યા મારું કાંઈ નથી અને તારું પણ કાંઈ નથી” એ કથા સાંભળીને અમારા મન ઉપર એટલી તો અસર થઈ કે અમે વેદાંતી થઈ ગયા, અને મારા અને તારામાં કાંઈ અંતર ગણવો નહી એવો નિશ્ચય કીધો. પછી એક વાર અમે અમારા યજમાનને ઘેર કાંઈ કામસર ગયા, ત્યાં એક પૈસાની થેલી પડી હતી તે જોઈને અમે વિચાર કરવા લાગ્યા કે આને માનવી પૈસો કહે છે, પણ ખરેખરે તો તે છે જ નહી, એ તો માત્ર આભાસ છે વળી જગત કારમું છે, તથા આવરદા ક્ષણભંગુર છે, તેથી એ પૈસા મુકીને યજમાનને કોઈ દહાડે જવું પડશે, અથવા એ પૈસા યજમાનને મુકીને જતા રહેશે, એ બેમાંથી એક વાત તો નિશ્ચય બનવાની જ, હવે યજમાન પૈસાને મુકીને હમણાં જાય એવો સંભવ નથી, અને જાય તો પણ તેથી અમને કાંઈ લાભ થાય નહી. ત્યારે પૈસાએ આજે યજમાનને મુકીને જવું જોઈએ. વળી મારુંતારું એ સઘળું મિથ્યા છે, માટે યજમાનના પૈસા અને અમારા પૈસા એમાં ભેદ શો ? એમ વિચારીને તે થેલી ઉંચકી લીધી, અને તે લઈને જતા હતા એટલામાં યજમાનના દુષ્ટ ચાકરોએ અમને પકડ્યા, અને યજમાનના કહેવાથી અમને રાજા આગળ લઈ ગયા. રાજાની આંખ ઉપર પણ માયાની અંધારી બાંધેલી તેથી તેણે મારાતારામાં ભેદ કહ્યો, અને વેદવ્યાસજીના વેદાંતમતથી વિરૂદ્ધ ચાલીને અમને પાંચ વર્ષ બંધીખાનામાં નાંખ્યા, કારાગૃહમાં એટલાં વર્ષ મફતનું, વગર મહેનતે ખાધા પીધા પછી અમને છોડી મુક્યા. હવે શું કરવું ? જગત તો દુષ્ટ માયામાં વિંટાયલું, અને પરમાત્મામાં લય પામવાનાં સાધન શોધવાને બદલે મારાતારામાં લડીમરી ઘાંચીના બળદની પેઠે ચોરાશીલાખના ફેરા ફર્યા કરે છે. એવા લોકોમાં સર્વોત્કૃષ્ટ વેદાંત મત ચલાવવા જઈએ તો સંકટમાં આવી પડીએ, તેથી ઋષિઓની પેઠે વનવાસ કરવો એવો નિશ્ચય કીધો; અને આ જંગલમાં ત્રણ મહીના થયાં આવ્યા છીએ, પણ લાડુ ને ઘી ખાધેલા તે હવે કંદ, મૂળ, ફળાદિનો આહાર શી રીતે થાય ? તેથી કોઈ યજમાન શોધવાને