પૃષ્ઠ:Karanghelo.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૧ )

થઈ રહી હતી. લોકોએ રાત્રે બજારમાં તથા ઘેરઘેર રોશની કીધી હતી, તથા દિવસે ઘણાં ઉંચાં તથા કિંમતી લુગડાં પહેરીને તેઓ ફરતા હતા. ઘેરેઘેર ઉત્સવ થઈ રહ્યો હતો, તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. એ સઘળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળું ટંગાઈ રહેલું હતું. થોડીએક મુદત ઉપર જલાલુદ્દીન ફિરોઝને દગો કરી ઠાર માર્યો હતો. તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ, તથા શાંત ગુણનો હતો. તેના વખતમાં લોકો ઘણાં સુખી હતા. રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સરખે ઈનસાફ મળતો હતો. કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલમ કરવામાં આવતો ન હતો, તથા ધર્મને વાસ્તે પણ કોઈને ઉપદ્રવ થતો નહીં. એથી ઉલટું સઘળા લોકોને માલુમ હતું કે નવા પાદશાહ અલાઉદ્દીનનો સ્વભાવ તેથી જુદી જ તરેહનો હતો. તેને લડાઈનો ઘણો શોખ હતો. તથા તે જાતે ઘણો બહાદુર હોવાથી એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હમેશાં થયાં કરશે, અને તેથી રૈયતની ઘણી ખરાબી થશે. વળી તે સ્વભાવે ઘણો ક્રૂર, દગલબાજ તથા હઠીલો હતો, તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી, તથા તેને ધર્મને વાસ્તે પણ ઘણી જનૂન હતી. તેની લુચ્ચાઈ, નિમકહરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા. તેઓને હજી સાંભરતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રિજા અલાઉદ્દીનને મળ્યો; અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો; કેવા લાડથી જલાલુદ્દીને તેને હાથ પકડીને ઉઠાડ્યો, અને તેના ગાલપર હાથ ફેરવી બોલ્યો: 'મેં તને બચપણથી ઉછેર્યો, તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી, તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું, તે મારા ઉપર તને કદી શક આવે જ નહીં, ' કેવા ક્રુરપણાથી તથા વિશ્વાસઘાતથી અલાઉદ્દીને તે વખતે પહેરેગીરને ઈશારત કીધી, તે ઉપરથી એક મહમૂદ બીન સાલેમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારને ઘા કીધો, કેવા ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવા દોડ્યો, પણ તેટલામાં