પૃષ્ઠ:Karanghelo.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૨ )

અખતીઆરૂદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો, અને તેને ભોંય ઉપર નાંખી દઈ તેનું માથું કાપી નાંખ્યું, અને કેવા દુષ્ટ અંતકરણથી અલાઉદ્દીને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ઘોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું ! વળી જલાલુદ્દીનના મુઆ પછી તેની રાણી મલેકાજહાને, વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના, કદરખાં ઉરફે રૂકનુદ્દીન ઈબ્રાહીમ નામના તેના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો, પોતાનો મોટો છોકરો અરકલીખાં જે પાદશાહનો ખરેખર વારસ હતો, તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી મલેકાજહાને ઘણાએક સંદેશા મોકલ્યા અને પોતાના ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અરજ કીધી. અરકલીખાં મુલતાનથી આવ્યો નહી, પણ એવો જવાબ કહેવડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે, પણ તે મોટી થયા પછી તેનો વોહો કોઈ રોકી શકતું નથી. અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાંખી. કદરખાં પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીનની સાથે લડવાને બહાર આવ્યો. તેના સોબતીઓ તથા તેની તરફના અમીર ઉમરાવો તેની પાસેથી જતા રહી અલાઉદ્દીનને જઈને મળ્યા, કદરખાં પોતાની માને તથા કેટલાંક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો, તથા અલાઉદ્દીન દિલ્હીમાં પેસીને પોતાને પાદશાહ કહેવડાવવા લાગ્યો, અને પોતાના નામના સિક્કા પડાવ્યા. એ સઘળી વાત તેઓને તાજી યાદ હતી, ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અરકલીખાં તથા કદરખાં એ બે શાહાજાદાઓને પકડી પોતાની પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફખાં તથા ઝફરખાને મોકલ્યા. તેઓએ મુલતાન શહેરને ઘેરો ઘાલ્યો, તે બે મહીના સુધી ચાલ્યો, આખરે શહેરના લોકોએ તથા સિપાઈઓએ મુલતાનનો કિલ્લે પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કીધું, પણ એટલી તેઓએ શરત કીધી કે બે શાહજાદાની જીંદગી બચાવવી, એ સરત અલફખાંએ મંજુર કીધી, અને તે પાળવા બાબત ઘણા સખ્ત કસમ ખાધા. એ પ્રમાણે તે