પૃષ્ઠ:Karanghelo.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૩ )

શાહજાદાઓને પોતાના હાથમાં લઈ સઘળી હકીકત એણે અલાઉદ્દીન પાદશાહને કહેવડાવી.

પાદશાહ ઘણો જ ખૂશ થયો. તેની ઘણી લાંબી મુદતની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક્ક વિષે તકરાર ઉઠાવનાર કોઈ રહ્યું નહી. શહેરમાં માટે આનંદોત્સવ પોતાના ખરચથી કરાવ્યો, અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કીધા નહી, પણ પોતાની હિંદુ રૈયતને પણ તેઓનાં દેવાલયોમાં તેઓના ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુખાકારી તેઓના દેવ પાસે માગવાનો હુકમ કીધો. તેણે મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખરચ બેસે તે સઘળો પુરો પાડ્યો. એ અધર્મ જોઈને બીજા મુસલમાનોને ઘણો ગુસ્સો લાગ્યો, અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું, તથા ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કોપાયમાન થશે એમ સમજી, બ્રાહ્મણોને પૈસા ન આપવા માટે પાદશાહને ઘણો સમજાવ્યો. અલાઉદ્દીનની મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સઘળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેણે તેઓની વાત કાને ધરી નહીં. અગર જો મુસલમાનો પાદશાહની હઠીલાઈથી ઘણા નાઉમેદ થઈ ગયા તો પણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો, તથા તેઓએ કોઈ પણ રીતે હિંદુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કીધો, તે દહાડે દિલ્હીની સઘળી મસજિદોમાં વાએજ કરાવવાને તથા અલફખાંના મોકલેલા ફતેહના સમાચારનો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવાળીને દહાડે મુસલમાનેને જુમાનો પાક દહાડો હતો તેથી તે જ દિવસે એ પાદશાહનો હુકમ અમલમાં આવ્યો. સઘળી મસજીદોમાં બપોરે બાર વાગતે બાંગ પોકારવામાં આવી, તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારાં સારાં લુગડાં પહેરીને તથા પોતાનાં છોકરાંને સાથે લઈને પાસેની મસજિદોમાં જવા નીકળ્યા. હિંદુઓનાં દહેરાંઓમાં પણ ઘણી ધામધુમ થઈ રહી હતી, દરેક દેવાલયમાં ઘણાએક બ્રાહ્મણો મોટા મોટા ઘાંટા કાઢીને મંત્ર ભણતા હતા, તથા જે પૈસા મળ્યા હતા તેનો બદલે વાળતા હતા, હજારો લોકો દર્શન