પૃષ્ઠ:Karanghelo.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૫ )

તરેહના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા, મુસલમાનો તથા હિંદુઓનાં ટોળે ટોળાં આવ્યાં જ જતાં હતાં; અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર પડી નહોત, તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંનેના જે લોકો આગેવાન હોય તેઓને પકડી પોતાની હજુરમાં લાવવાને એક લશ્કર મોકલ્યું ન હોત, તો આ લડાઈનો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું.

પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારાઓમાંથી ઘણાએક નાસી ગયા, કેટલાએક પાસેનાં ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાએક ઓટલા ઉપર અમે લડવામાં સામેલ નથી, એમ જણાવવાને બેસી ગયા, મુસલમાનોના કરતાં હિન્દુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે સટકી ગયા, લશ્કર આવતાં જ તેના સરદારે હુકમ કીધા કે લડાઈ એકદમ બંધ કરવી, અને હથિયાર ભોંય ઉપર નાંખી દેવાં. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કાંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચઢાવીને ઉભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય મુખ્ય માણસોને પકડી લીધા, અને તેઓને બાંધીને પાદશાહની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા, પકડાયલા માણસોમાં મુસલમાનો કરતાં હિન્દુઓ વધારે હતા, અને તેઓને ભય પણ વધારે હતો. તેઓ પોતાના જીવની આશા મુકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર થઈ રહ્યા હતા. થોડીવારમાં તેઓ સઘળાને પાદશાહ અલાઉદ્દીનની હજુરમાં ઉભા રાખ્યા. તે દહાડે દરબાર ભરપૂર ભરાયલું હતું. પાદશાહની સેનાના હીરાજડેલા તખ્ત ઉપર બેઠો હતો. તેનો પોશાક તથા ઝવેર જોતાં આંખ જંખવાઈ જાય એટલો તે શણગારાયલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોની કાંઈ જ કસર રાખવામાં આવી નહતી, તેના દબદબામાં કાંઈ શોભા ઉપર જરાપણ લક્ષ આપવામાં આવ્યું નહતું. તેના શણગારનો ઈરાદો શોભા અાપવા કરતાં તેની અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો, અને દોલત પણ તેણે બુશુમાર મેળવી હતી, કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ