પૃષ્ઠ:Karanghelo.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૬ )

તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચઢાઈ કીધી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયલી દોલત તે લૂંટી લાવ્યો હતો. મુસલમાન ઇતિહાસકર્તા લખે છે કે કે જ્યારે જલાલુદ્દીન ફિરોઝના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને છસેં મણ મોતી, બે મણ હીરા, માણેક, લીલમ, અને પોખરાજ, એક હજાર મણ રૂપું, અને ચાર હજાર રેશમનાં થાન નજર કીધાં, અને તેની સાથે બીજી પણ ઘણીએક કિમતી વસ્તુઓ આપી. અગર જો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશયોક્તિ તો ઘણી હશે, તો પણ તે ઉપરથી એવું જણાય છે કે દક્ષિણમાંથી તે બેશુમાર દ્રવ્ય હરી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી, તે એટલી કે એના જેવો બીજો કોઈ પણ પાદશાહ ધનવાન નહતો. એ દ્રવ્યનો તે ઉપયોગ પણ ઘણો કરતો. તેની શોભાનો કાંઈ પાર નહતો. તેના ઘરનો ખરચ પણ આશ્ચર્યકારક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો સત્તર હજાર હતા, એ ઉપરથી જ તેનો બીજો વૈભવ કેવી તરેહનો હશે એનો વાંચનારાઓએ ખ્યાલ કરવો.

એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મ્હોં એવું મોટું અને વિક્રાળ હતું, કે તેને જોઈને સઘળાને ત્રાસ લાગ્યા વિના રહે જ નહી, તથા તેને આબરૂ આપ્યા વિના પણ ચાલે નહી. તેને આવી વખતે હિન્દુસ્તાનમાં ફિતૂરી લેકે ઉપર મજબૂત રીતે તથા સખતીથી રાજદંડ પકડવાને જ પરમેશ્વરે સરજેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી, અને તેમાં દયા કે ક્ષમાની કોઈ પણ નિશાની માલમ પડતી નહતી, તેનું આખું શરીર એવું પ્રૌઢ તથા કૌવતદાર હતું, કે તેને જોઈને મોટામાં મોટા અમીરો પણ થરથર કાંપતા હતા, અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખુની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા, એક તરફ તેનો વજીર ખાજા