પૃષ્ઠ:Karanghelo.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૯ )

કોઈ ગુન્હેગારના ઉપર પહેલાં કાંઈ છેડખાઈ થઈ હોય, અથવા તેને ગુન્હો કરવાને સામા માણસે કાંઈ મજબુત કારણ આપ્યું હોય ત્યારે તેને શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે, અને જે પ્રમાણે આગલાં કારણો મજબુત અથવા નબળાં હોય તે પ્રમાણે તેને વધારે અથવા ઓછી સજા કરવામાં આવે છે. તેને શિક્ષા તો થવી જોઈએ, અને તે પ્રમાણે થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી, પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિંદુઓ શિક્ષાને પાત્ર તો હતા. તેઓએ લોકોની સુલેહમાં ભંગ કીધો, તેએાએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણાએકને જખમી કીધા; તેને માટે તેઓને સજા તો થવી જ જોઈએ. પણ તે જ પ્રમાણે મુસલમાનેએ વગર કારણે હિંદુઓના જીવને દુખવ્યા તથા પોતાની પાસેની લાકડીને પ્રસંગવિના ઉપયોગ કીધો, તથા પાછળની મારામારીમાં પણ તેઓએ બન્યું તેટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા હિંદુઓ માર્યા ગયા તે તેઓની ખામોશીને લીધે નહી પણ તેઓનું સામર્થ્ય એાછું હોવાને લીધે જ બન્યું. માટે તેઓનો ગુન્હો પણ હિંદુઓના જેટલોજ હતો, અને તેઓને પણ તેટલીજ સજા થવી જોઈતી હતી, એવું આપણે ઈનસાફની રાહે ધારીએ ખરા, પણ મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીનનો વિચાર એ પ્રમાણે ન હતો. મનુષ્યના ડરને નહી ગણકારતાં ફક્ત ઈશ્વરનો જ ડર રાખી અદલ ઈન્સાફ આપવો એવો કાંઈ તેને ઉદ્દેશ ન હતો, તેની અદાલતમાં ઈનસાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું; તેને એક આંખ હતી તે મુસલમાન લોકોને જ જોતી હતી, તેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ થયલો ન હતો; પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પલ્લું નીચે ઝોકતું હતું; તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બિચારા હિંદુઓનેજ મારવા કીધેલી હતી. તેજ પ્રમાણે ઈનસાફના ખાવિંદની આંખ ઉપર પોતાના જ ધર્મનો પડદો વળેલો હતો, તથા મન ઉપર જાતિનાં જાળાં પથરાયલાં હતાં, તેથી તેણે વિચાર્યું કે પાદશાહે કાફર મૂર્તિપૂજકોને પૈસા આપી તેઓનાં શેતાન દહેરાંઓમાં ધામધુમ કરાવી તે જોઈને