કથાગુચ્છ.
ભાગ ૧ લો.
(૧) અજ્ઞાન અને વિજ્ઞાન.
આજકાલ લોકો વિજ્ઞાન વિજ્ઞાન (સાયન્સ) પુકારી રહ્યા છે. પરન્તુ વિજ્ઞાનથી શો લાભ છે તે ઘણા લોકો નથી જાણતા. એ લોકો વિજ્ઞાનને નીરસ જાણીને એનાથી દૂર ન્હાસે છે. પરન્તુ એ એમનો ભ્રમ છે. બધા વિષયોનું થોડું થોડું જ્ઞાન હોવું જોઈએ. આજ હું ત્હમને એવી વાત સંભળાવું છું કે જ્હેને એકવાર સાંભળીનેજ આપને ખબર પડશે કે હું અજ્ઞાન ભારતવાસી હોવાથી વિજ્ઞાને મ્હને કેવો રોવરાવ્યો હતો.
ઉંચી કેળવણી લીધા પછી મ્હોટી પદવી મેળવવાની આશાએ કોલેજ છોડી હું વિલાયત ગયો. લંડનમાં ગયે છ સાત મહિના થયા એટલામાંજ મ્હારે ઘણા સાહેબ લોકો સાથે ઓળખાણ પીછાન થઈ ગઈ. એ લોકોની સાથે રહેવાથી હું પણ એક જાતનો સાહેબજ બની ગયો. હમણાં હું વિલાયતથી પાછો આવ્યો છું પરન્તુ દેશી વેશનો આદર ન જોઈને હું સાહેબજ બનીને રહું છું. અલબત્ત, મ્હારો રંગ થોડોક કાળો છે. પણ રોજ બે ચારવાર સાબુ લગાડું છું. તેથી થોડી ઘણી કસર નીકળી જાય છે.