શિયાળો પૂરેપૂરો જામ્યો હતો. બે દિવસ થયાં ઠંડીનુ મોજું ફરી વળ્યું હતું. દિવસભર હાથના કોકડા વાળીને માણસો તડકાનો તાપ વેઠતા અને ટાઢ ઉડાડતાં હતાં ને સાંજ પડતાં તો ગામમાં સૌ ઘર બંધ થઈ જતાં. ફળિયામાં કૂતરાઓ પણ કોઈક હુંફાળી જગ્યા શોધીને સંતાઈ જતાં હતા. ગમાણમાંનાં ઢોરોને પણ ટાટીઆ તાપડા ઢાંકીને ઠંડીથી રક્ષવા માટે ખેડૂતો કાળજી લઈને ઘરમાં ભરાઈ જતા હતા.
બારણા બંધ કરીને માટીના ચૂલામાં સળેખડાં નાંખીને તાપણી કરતાં અને તેની આસપાસ ઘરના નાના મોટા, દેહને ગોદડીએ કે ચાદરે વીંટાળીને જમા થતાં, હાથ પગને ગરમાવો આપતા અને એમ શરીરમાં ગરમાવો ભરીને પથારીમાં સૂઈ જવાની તૈયારી કરતાં પહેલાં ઓઢવા માટેની ગોદડીને પણ તેઓ શેકતાં. અને હુંફાળી ગોદડી મોઢે માથે ઓઢીને બાળકો સૂઈ જતાં એ પછી મોટાઓ પણ પથારીમાં પડતા. કેટલાક વૃદ્ધો સઘડીને ખાટલા તળે રાખતા અને ગરમાવો મેળવતા હતા.
ધોળે દિવસે પણ ઠંડીના કારણે ગામમાં અવર જવર ઘણી ઓછી રહેતી. સૌ કોઈ ફળિયામાં ખાટલા નાખીને સૂરજ દેવતાના તાપમાં બેસતા અને બેઠાં બેઠાં જે થાય તે કામ કરતા હતા.
આવી શિયાળાની કાળમીંઢ અંધારી રાત્રિ હતી. વહેલી સાંજથીજ