‘પગે લાગવાની શી જરૂર છે ?’ તુલસીના હૈયામાં રમતો શયતાન ઉન્મત બન્યો હતો. પાગલની જેમ તુલસીએ મંગળાને ખેંચી અને તુવેરના ઊભા ઝુંડમાંથી તેને બહાર ખેંચી લાવ્યો. આકાશ અંંધારઘેરું હતું. પવન શાંત થઈ ગયો હતો. પણ શિયાળાની ઠંડક હવામાં ભળી ગઈ હતી એટલે ઠંડીનું જોર જણાતું હતું. શિકારીના તીક્ષ્ણ દાંત વચ્ચે પીસાતા શિકાર જેમ લોહી નીકળતા દેહની વ્યથા ભૂલીને પણ મુક્ત થવા પોતાના દુર્બળ અંગોથી શિકારીના દેહ પર ઘા કરવા પ્રયત્ન કરે તેમ મંગળા પણ પોતાના બન્ને હાથો વડે તુલસીની છાતી પર મુક્કા લગાવતી હતી. જ્યારે તુલસીના બન્ને હાથ મંગળાના દેહને કેદ કરી રહ્યા હતા.
ને મહા મહેનતે વીણેલી તુવેરસીંગો મંગળાના ખોળામાંથી ધરતી પર પડી જઈને વેરાઈ ગઈ હતી, જેમ મંગળાનો કેશકલાપ આ ઝપાઝપીમાં વિખરાઈ ગયો હતો, એની લટો અદ્ધર ઝુલતી હતી તેમ.
‘મંગળા !’ આખરે મંગળાના નારીત્વને તુલસીના દેહમાં રહેલો કાળોતરો ડસી ગયો ને મંગળાનું જીવન જાણે નંદવાઈ ગયું. અશ્રુ સારી સારીને આંખો સુઝી ગઈ હતી; ચૂંથાયેલી કાયા ભાંગી ગઈ હતી. એનો સુરમ્ય લાગતો કેશકલાપ વિખરાઈ ગયો હતો. જીવનની વસંત મહોરે તે પહેલાં કરમાઈ ગઈ હતી.
ભગ્નાશ થઈને જમીન પર પડેલી મંગળા દુઃખ સાગરના તળિયે ડૂબકા ખાતી હતી તો, પોતાના પંજામાં સપડાયેલી હરણિના બેહાલ જોઈને પોતાની કુશળતા માટે મનમાં આનંદ માણતા શિકારીની જેમ તુલસી ઊભો ઊભો હસતો હતો.
‘હવે અફસોસ શાનો કરે છે મંગળા ! અહીં કોઈ જોનાર તો નથી પછી હાથે કરીને ફજેતા શા માટે કરે છે !’ તુલસી એને આશ્વાસન દેતો હતો પણ તુલસીના શબ્દો મંગળાના મનમાં ધૂંધવાઈ