લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ખાખનાં પોયણાં
 

લાચાર બનીને તેઓ પાછી ફરી અને જીવકોર મંગળાને આશ્વાસન દેતાં પૂછવા લાગી, ‘પણ થયું છે શું એ તો કહે ? લલ્લુકાકાએ કાંઈ કહ્યું ? તુવેરસીંગ પડાવી લીધી ?’

મંગળા તો આંસુ જ સારતી મૂંગી રહી હતી. જીવકોરના તમામ પ્રયત્ન છતાં મંગળાના મોંમાંથી જાણે કોઈએ જીભ જ ખેંચી કાઢી હોય ને વાણી છીનવાઈ ગઈ હોય એમ એક શબ્દ પણ બહાર નીકળતો ન હતો.

જીવકોરની તો મતિ મૂંઝાઈ ગઈ; જ્યારે તે પોતાની સખીઓ સાથે લલ્લુકાકાને ખેતરે તેમના આગ્રહથી તુવેર લેવા ગઈ ત્યારે તે સાવ સાજી સમી નરવી હતી ને આ શું બની ગયું ? શાથી બન્યું ?

પ્રશ્નોના જવાબ શોધતાં શોધતાં એનું મન વહેમના વમળમાં અટવાઈ પડ્યું. કોક વળગાડ હશે? ખેતરમાં જતાં કાંઈક વળગ્યું હશે ? ને મંગળા મૂંગી રહી. માત્ર આંસુ સારતી પડી રહી હતી એ જોઈને જીવકોરના મનને વળગેલો વહેમનો વળગાડ વધુ જોર પકડતો હતો.

આકાશમાંથી ભગવાન ભાસ્કર વિદાય લઈ રહ્યા હતા. શિયાળાની ઠંડી વધતી હતી. અને પ્રકાશ પાછળ અંધકાર ઝડપથી આગળ વધી રહ્યો હતો. સંધ્યાના રંગ માનવી જોઈ શકતો ન હતો; તરત જ રાત્રિના અંધારા પૃથ્વી પર છવાઈ જતા હતા.

જીવકોરનું મન બળતું હતું. પોતાની દીકરીની આવી હાલત એનાથી જોવાતી ન હતી, દીકરીને હૈયા સરસી ચાંપીને તેણે પણ રડી લીધું હતું. આંસુભરી આંખે તેણે દીકરીની આંખ સામે લાવીને પૂછ્યું હતું, ‘શું થયું છે મંગળા ? મને તો કહે ?’

પણ મંગળા કહી શકતી ન હતી. માતાની દારૂણ વ્યથા, એની જે આંખોમાંથી પોતે સદાકાળ સ્નેહ નીતરતો જોયો છે તે