થવાના છે તેનું તાદૃશ્ય દર્શન કરાવ્યાં છતાં પણ માસ્તર શાંતિથી પોતાને હૈયે વળગાડી રહ્યા હતા એ જોઈને તેની આંખો છલકાઈ ગઈ: માસ્તરને તેણે વારંવાર આજીજી કરીને કહ્યું હતું કે પોતાને તે જવા દે. અને તેમના પાછલા જીવનને બટ્ટો લગાડવા ન દે પણ માસ્તર મક્કમ હતા. જીવકોર તેને સોંપી ગઈ ત્યારે માસ્તરના મનમાં એક ભાવ હતો કે પોતાના સ્વર્ગસ્થ મિત્ર તાપીશંકર પ્રત્યેના પોતાના મૈત્રી ધર્મનું પાલન કરવા માટે મંગળાનો સ્વીકાર કરવો પણ મંગળાની વાત સાંભળ્યા પછી માસ્તરના મનમાં જે ભાવ પેદા થયો તે પેલી મૈત્રીની ભાવના કરતાં અનોખા પ્રકારનો હતો. જ્યારે મંગળા વિદાય થવા માગતી ત્યારે માસ્તર તેને વાળતાં હતાં; કારણ કે તેઓ જાણતા હતા કે આ સંજોગોમાં મંગળા પાસે પ્રાણ ત્યાગ કરવા સિવાય બીજો રસ્તો જ ન હતો. અને પોતે એની વાત જાણ્યા પછી એને આત્મહત્યાના માર્ગે જવા દે તો પોતાનો ધર્મ ન લાજે?
મંગળાની કથની સાંભળ્યા પછી તે મનોમન વિચારતા હતા: ‘પોતાની દીકરી તુલસી જેવા દાંડની હેવાનિયતનો ભોગ બની હોય તો પોતે શું કરે? એને આત્મહત્યા કરવા દે? જે કમનસીબ બનાવ બનવા પામ્યો છે એનો ધજાગરો બાંધે? અને એથી લાભ કોને? હાનિ કોને ?’ એમનું અંતરમન બોલી ઊઠતું, ‘ના, ના, એમ ના થાય!’
ત્યારે જ એમને જીવકોરે લીધેલા માર્ગનું સત્ય પણ સમજાયું અને એમનો આત્મા પુલકિત બન્યો, એમના હૈયામાં શાંતિ થઈને મુખ પર છવાયેલી વિષાદ છાયા દૂર થતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો. ચોમેરે આગ લાગી હતી. એક વખતના દેવ પુરુષ પંડ્યા માસ્તર આજે નિંદાને પાત્ર બની ચૂક્યા હતા. સૌ કોઈ એમની ઠેકડી ઉડાવતું હતું છતાં પંડ્યા માસ્તરનું ધૈર્ય અખૂટ રહ્યું. ગામના