લોકો ઘરમાં ભરાઈ ગયાં હતા; એવા અસુયા સમયે બે સ્ત્રીઓ એક વૃદ્ધ અને એક જુવાન ફળિયાની શાંતિનો ભંગ કરતાં આગળ વધતી હતી. રાત્રિનો અંધકાર છવાયેલો હોવાં છતાં બન્નેના મૌન વચ્ચે પણ એમની કીકીઓમાં ભરેલો વિષાદ જોઈ શકાતો હતો. વૃદ્ધાને જુવાન હાથ પકડીને દોરતી હતી. અને ફળિયાના માર્ગમાંના ખાડા ટેકરાથી વૃદ્ધાને સાચવતી હતી.
બંને વચ્ચે ગંભીર મૌન છવાયું હતું. એ મૌનથી નીરવતા જાણે ભયંકર બની ગઈ હતી.
ક્યારેક વૃદ્ધાના મુખમાંથી દુઃખ અને વ્યથાથી ત્રસ્ત શબ્દો બહાર પડતા હતા : અવારનવાર એ બોલતી ‘હે રામ !’
અને માતાના મુખમાંથી કરૂણાભર્યા શબ્દો જ્યારે જ્યારે સરી પડતા ત્યારે ત્યારે જુવાન કન્યાના અંગે ધ્રુજારી છૂટતી હતી.
એ વૃદ્ધા હતી તાપીશંકર મહારાજની વિધવા અને જુવાન કન્યા હતી એમની દીકરી મંગળા. બન્નેની આંખોમાં વિષાદ હતો. કાળના કડવા ઘૂંટડા ગળવાનું જ્યારે બન્નેને માટે અસહ્ય બન્યું ત્યારે તેઓ અંગોને થીજાવી દે તેવી ઠંડીમાં રાત્રિનો અંધકાર ચીરતાં દેવુ માસ્તરના ઘેર જઈ રહ્યાં હતાં; ત્રણચાર ફળિયાં વટાવીને દેવુ માસ્તરના ઘેર જવાનું હતું.
દેવુ માસ્તરનું મૂળ નામ તો દેવશંકર પંડ્યા. શાળામાં વિદ્યાર્થીઓ તેમને પંડ્યા માસ્તરને નામે ઓળખતા, ત્યારે નાતજાતના અને ગામના સમોવડીયા વચ્ચે તેઓ દેવુ માસ્તરને નામે ઓળખાતા હતા. ગામમાં જ્યારથી નિશાળ મંડાઈ ત્યારથી જ તેઓ માસ્તર તરીકે જોડાયા હતા. અને છેલ્લે નિવૃત્ત થયા ત્યાંસુધી એ નિશાળમાં જ હતા. જોકે શાળામાં હેડમાસ્તરના પદ પર તો બહારથી આયાત થયેલી વ્યકિત જ બિરાજતી હતી. દેવુ માસ્તરની લાયકાત આમ તો