મોવડીઓ સમક્ષ એમણે મક્કમતા ડગવા ન દીધી, તેઓ મનમાં ને મનમાં વિચારતા હતા. ‘મેં ક્યાં કોઈ પાપ કર્યું છે? મારે ક્યાં સંસારના નવા રંગ માણવા છે ? આ તો એક આપદ ધર્મ છે. અને માનવી જેવો માનવી કોકની આબરૂની મૂડી બાંધેલી રાખશે નહિ તો કોણ રાખશે? મરનાર તાપીશંકરની આબરૂની મૂઠ્ઠી જીવકોર ભાભી બાંધેલી રાખી શકે તો પોતે એ બાંધેલી કેમ ન રાખી શકે ?’
એ વિચારે તેમના જીવનને બળ મળતું હતું. લોક નિંદા સામે હસતા વદને ઊભા રહેવાની તાકાત પ્રાપ્ત થતી હતી.
તેઓ મંગળાને પણ નિશદિન એક જ વાત કહેતા ‘જો મંગળા, જે કાળે જે બનવાનું હોય છે તે બનીને જ રહે છે. એનો અફસોસ કરવાની જરૂર નથી.’ પણ સંજોગવશાત આપણે જે સ્થિતિમાં મૂકાયા છીએ એ સ્થિતિમાં પણ સંતોષ મેળવીને આનંદથી જીવતાં શીખવું જોઈએ.’ પણ મંગળાનું મન માનતું ન હતું, જેમ જેમ દિવસો વ્યતિત થતા હતા તેમ તેમ તેનું અંતર કોરાઈ જતું હતું પોતે માસ્તરના જીવનની બરબાદી નજરે જોતી હતી. છતાં માસ્તરના વદન પરનું હાસ્ય કરમાતું ન હતું એ પણ જોતી હતી.
‘પણ જ્યારે મારી...’ મંગળા વધુ બોલી ન શકી. શરમથી ઝુકી ગયેલા મુખડાને પોતાના બે હાથની હથેલીમાં તેણે ઢાંકી દીધું.
‘એની પણ ચિંતા તું શા માટે કરે છે ? હવે તો લોકદૃષ્ટિએ તું મારી પરણિતા છે ને મંગળા ? પછી તારા સંતાનનો પિતા પણ, લોકદૃષ્ટિએ તો હું જ બની રહીશને?’
ને હથેલીમાંથી એના મુખને છોડાવી તેની સામે પ્રેમાળ દૃષ્ટિ નાંખતાં કહ્યું ‘મંગળા તારા આ લલાટ પર હવે કાળો ટીકો નથી, કુમકુમ વર્ણો ચાંદલો છે. તારી સામે હવે કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી.’