બે પળ મંગળા સામે સ્નેહ છલકાતી દૃષ્ટિ માંડી રહેલા માસ્તરે કહ્યું, ‘પણ તારેય મારી એક વાત માનવાની છે?’
‘કહો ?’ મંગળા ઉલ્લાસપૂર્વક બોલી : પોતાને માટે આટલું મોટું બલિદાન આપનાર માસ્તરની વાત માનવાને તે તત્પર હતી.
‘આ પ્રસાદ તને સોંપું છું !’ માસ્તરનો કંઠ ભરાઈ ગયો ક્ષણ પહેલાંની ધૈર્ય મૂર્તિ શા માસ્તર દ્રવી ગયા : અને ભારે સાદે કહેવા માંડ્યું, ‘તું તો જાણે છે મંગળા, કે શિવો કપાતર પાક્યો. ને રૂખીએ તો મારું કુટુંબ લજાવ્યું છે. જે દિવસે રૂખી ચાલી ગઈ તે દિવસે જ મારા જીવનનો દીવો બુઝાઈ જવાનો હતો પણ આ પ્રસાદે તેને સળગતો રાખ્યો. હવે એની જવાબદારી તને સોંપુ છું!’
ને આંખમાંના આંસુ ધોતિયાના છેડાથી સાફ કરતાં કહેવા લાગ્યા, ‘હાશ ! હવે મને મોત આવશે તો પણ અજંપો નહિ રહે અને બોલ્યા, ‘ભગવાન કેટલો દયાળુ છે? મારી ચિંંતા ઉપાડવા તેણે મંગળાને મોકલી આપી !’
આંસુ લૂછાયા પછીની બીજી જ પળે તે ખડખડાટ હસવા લાગ્યા. મંગળાની પીઠ થાબડતાં કહ્યું, ‘મંગળા જીવનનો આ પણ એક તમાસો છે, હવે એને સફળ બનાવજે.’
મંગળા પ્રસાદને લઈ રસોડામાં ચાલી ગઈ. બહાર પરસાળમાં બેઠા બેઠા માસ્તર ગીતા પાઠ કરી રહ્યા હતા. કર્મ યોગમાં એમને રસ હતો. અને તેનું મનન કરતાં તેમની નજર સમક્ષ પોતાના જ ભૂતકાળનાં જ દૃશ્યો ખડાં થવા લાગ્યાં.
‘શિવો કેવો કપાતર નીકળ્યો ?’ એવો પ્રશ્ન મનમાં ઊભો થતાં જ એમની આંખ સામે એક મોટી રાક્ષસની પ્રતિમા જાણે કોતરાઈ ગઈ. પહોળી આંખોમાંથી ખૂન્નસ વરસતું હતું, ને એના લાંબા લાંબા ઝુલ્ફા હવામાં આમતેમ ઊડતાં હતાં.