લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ખાખનાં પોયણાં
 

મોટી કમાણી પોતાને થતી હોવા છતાં એમના મનમાં ઉમળકો જ પેદા થતો ન હતો, મનની કળીઓ ખીલતી ન હતી.

માસ્તરે કહ્યું, ‘ગંગાશંકર ! દિલના ખૂણામાં પડેલી કેટલીક વાતો મારે તમને કહેવી છે. મારો દીકરો શિવ...’

‘હા, હા, હું ક્યાં તેને નથી જાણતો ?’ ગંગાશંકરના મોં પર સફળતાનું અને સંતોષનું હાસ્ય પ્રગટ્યું હતું.

‘હમણાં હમણાં એને વિષે ઘણી કડવી ફરિયાદો હું સાંભળું છું.’ માસ્તરે નિસાસો નાખ્યો.

‘એ તો નાના હોય ત્યારે એમ જ ચાલે !’ ગંગાશંકરે આશ્વાસન દીધું ને કહ્યું, ‘જવાબદારી માથે પડશે એટલે આપોઆપ ઠેકાણે આવશે.’ ને ઉમેર્યું, ‘કોના ગાડા અધવચ્ચે રહ્યા છે, કહેશો ?’

‘તો પણ...’ માસ્તરે સંમતિ આપી ને કહ્યું, ‘પાછળથી તમે મને કાંઈ કહો તેના કરતાં મારે જ પહેલેથી તમને જણાવી દેવું જોઈએ કે જેથી તમારા મનમાં દુઃખ ન થાય.’

‘ગાંડા જેવી વાત કરો છો તમે માસ્તર !’ ગંગાશંકર માસ્તર પ્રત્યે હસીને કહેવા લાગ્યા; અને ઉમેર્યું ‘અરે રૂખી તમારા ઘરનો બધો બોજો ઉઠાવી લે તેવી છે તેના જેવી કહ્યાગરી, કામગરી દીકરી તો સાત ભવે પુણ્ય કર્યા હોય તેને મળે અને એવા પુણ્યશાળીના ઘર ઉજાળે, માસ્તર !’

માસ્તરે સંમતિ આપ્યા છતાં તેમનું મન માનતું ન હતું, પણ હવે પોતાનું કાંઈ ઊપજે તેમ ન હતું, ગંગાશંકર પોતાને જળોની જેમજ વળગ્યા હતા તો બીજી બાજુ શિવાને પણ જવાબદારીની ઝંઝટમાં નાંખવાનો વિચાર પાકો હતો : લાચારી સિવાય તેમની પાસે કાંઈ જ ન હતું.

ગંગાશંકર સંતોષપૂર્વક વિદાય થયા ત્યારે માસ્તરે પણ સંતોષનો શ્વાસ લીધો ને ભવિષ્યની તમામ ચિંતા ભગવાનને સુપ્રત કરી દીધી