બંને જણા જે જાર બાજરાનો રોટલો મળે તે આંખો ભેગી કરીને ખાઈ લેતા હો તો મારા જીવને પણ કેટલો આનંદ થાય ?’ માસ્તરના શબ્દોમાં નરી કરુણા વ્યક્ત થતી હતી.
જ્યારે તેઓ શિવાને કહી રહ્યા હતા ત્યારે તેમની નજર સમક્ષ તેમનો પોતાનો જ ભૂતકાર ઉપસ્થિત થતો હતો; પોતે જ્યારે પરણ્યા ત્યારે પોતાની ઉંમર પણ કાચી હતી અને પત્ની સાથે ઊભા રહેતાં તે શરમાતા હતા. ચંચળ અલ્લડ દેહ, રૂષ્ટપુષ્ટ કાયા, પહોળી આંખો, લાંબું પહોળું નાક અને પગલાં પડતાં ધરતી ધમધમી ઊઠે તેવી શક્તિ ધરાવતી પત્નીની સરખામણીમાં પોતાની દુબળી કાયા, ઝીણી આંખો, કદમાં ઠીંગણાપણું જોઈને તેઓ ગભરાતા હતા. ચંચળ પાસે જવાની પણ તેમની હિંમત ચાલતી ન હતી; તેઓ હંમેશા માતા પાસે જ ખાવાની માંગણી કરતા જ્યારે માતા હસીને કહેતી, ‘જાને રસોડામાં તારી વહુ છે, મારી પાસે શું કામ આવે છે ?’ પણ પોતે રસોડામાં જઈ શકતા ન હતા અને મા સામે દીન વદને ઊભા રહેતા ત્યારે મા ઊભી થતી અને રસોડામાં જતા કહેતી; ‘મારા રોયાને વહુની બીક લાગે છે. ખાઈ તો નહિ જાય ને?’
મા પોતે જૂનવાણી હતી, પોતાનો દીકરો ગામના બીજા છોકરાઓ કરતાં વહેલો પરણી ગયો તેનો તેને જાણે ગર્વ હતો, એટલે જ્યારે કોઈ તેને કહેતું કે ‘ગૌરીબા ! તમારા દીકરાને તો કજોડું થયું છે. વહુ તો મોટી લાગે છે.’
ત્યારે ગૌરીબાને પોતાનો દીકરો વહેલો પરણ્યો તેનું ગૌરવ ઘવાતું જણાતું ને મનોમન બબડતાં, આ લોકોની તો ઈર્ષા જબરી ! પોતાના દીકરાઓ હજી ઠંઠનગોપાલ જેવા ફરે છે ને મારો દેવુ પરણી ગયો એની જ બળતરા થાય છે માટે આવા છીદ્રો શોધે છે પણ ગૌરીબા કાંઈ કાચી માટીની ન હતી તો, તે ફડાક દઈને પ્રશ્ન કરનારના લમણામાં વાગે તેવો જવાબ દેતી હતી, ને એનો જવાબ સાંભળ્યા