રહે છે પણ એનો અંજામ તો સમયના હાથમાં જ રહે છે. સમય કેવી ચાલ ચાલે છે તેના ઉપર જ માનવીના આનંદનો કે દુઃખનો આધાર રહે છે. ચંચળ અને દેવશંકરના સંબંધમાં પણ સમય જ મહત્ત્વનો ભાગ ભજવતો હતો. એકબીજાથી અલિપ્ત રહેતા પતિ પત્નીને સમયના હુકમના એક્કાએ જ ભેગા કર્યા અને તેના મીઠાં પરિણામો પણ ગૌરીને જોવા મળ્યાં. ચંચળના ખોળામાં શિવો ખેલતો હતો.
માસ્તરની નજર સમક્ષ પોતાનો આ ભૂતકાળ એવી રીતે ડોકાયો હતો કે શિવા અને રૂખીના સંસારના પ્રારંભે ઊઠેલા તણખા વખત જતાં શાંત થશે એનો વિશ્વાસ દેતા હતા.
પણ માસ્તર શિવના શબ્દો સાંભળીને અવાક બની ગયા. પોતાનો દીકરો પોતાને શું કહી રહ્યો છે? પોતે શું નથી જાણતા, જે શિવ જાણે છે ?
તેમણે પૂછ્યું, ‘જાણવા જેવું શું છે એ તો કહે, કે જે હું જાણતો નથી ?’
શિવ પિતા પાસે શબ્દો મૂકી શકતો ન હતો. કસુંબલ રંગ થોડા સમયમાં જ ઊડી ગયો હતો ને લગ્ન જીવનના ઝીણા ઝીણા તણખા ઝરતા હતા અને પરિણામે શિવ પહેલાં કરતાં વધુ બગડતો જતો હતો. લગ્નની જવાબદારી શિવને માથે નાંખીને, તેને સીધો કરવાની માસ્તરની વિચારણા સફળ થવાને બદલે વધુ દુઃખકર બની રહી હતી એટલે તેમણે શિવને સહેજ આકળા થઈને પૂછ્યું.
ત્યારે શિવ પણ હવે વાત આડો પડદો રાખવા માગતો ન હોય એમ બોલી ઊઠ્યો ‘તમારી વહુને પુછો કે તેનાં લક્ષણ કેવાં છે ?’
‘લક્ષણ ? એટલે ?’ માસ્તરનાં ભવાં ચઢી ગયાં ને છતાં મનના ઘોડા ઉપર લગામ લગાવી દીધી ને હળવેથી બોલ્યા, શાસ્ત્રી કુટુંબની દીકરીઓમાં કે’વાપણું ન હોય પાગલ !’ ને ગુસ્સો કર્યો ‘મૂર્ખાઈભરી વાત ન કર !’