દીકરાની વહુ બોલતી હતી, પોતે ઊંચા સાદે કદી પણ બોલ્યા નથી એટલે દીકરાની વહુના તીખા શબ્દો પણ તેમણે ખમી લીધા ને જાણે પોતાને કોઈ જ દુઃખ નથી થયું એમ તેમણે હળવેથી જવાબ દીધો.
‘શું વહુ દીકરા ! મારે એકલાને જ લ્હાવો ક્યાં લેવાનો હતો ? ગંગાશંકરને પણ દીકરી પરણાવવાનો લ્હાવો લેવાનો હતો ને બા ! અને દીકરી પરણી જાય એટલે સોમ નાહ્યાનો શાશ્વત સંતોષ પણ એમને લેવો હતો ને?’
માસ્તર જેમ નરમાશથી બોલતા હતા, વાતને કલહના અગ્નિમાં નાંખવાથી દૂર રહેતા તેમ રૂખી વાતને વધારતી હતી. ગુસ્સાભરી વાણી અને આક્રંદનું મિશ્રણ કરીને તે કલહનો અગ્નિ પેટાવતી હતી.
પણ માસ્તરે ખામોશી પકડી, તેઓ મનોમન વિચારવા લાગ્યા જેમ પોતાને વિષે સમયના હાથમાં હુકમના એક્કાએ પોતાનું કામ કર્યું હતું તેમ દીકરા વિષેની ચિંતા પણ તેમણે સમયને જ આધિન કરી દીધી.
પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ હવે રોજનો બની ગયો હતો. લગ્ન જીવનના પ્રારંભમાં જ જાગેલાં વમળો ક્યારેક શાંત પડતાં હતાં ને ક્યારેક વધતાં જતાં હતાં અને એમ શિવ રૂખીનું નાવડું વહી જતું. અટકતું, આગળ વધતું હતું. દરમ્યાન રૂખીના ખોળામાં પ્રસાદ રમતો થયો ત્યારે માસ્તરના જીવને નિરાંત વળી અને સમયના પ્રાબલ્યમાં વિશ્વાસ વધતો ગયો, છતાં જીવનમાં શાંતિ ન હતી. રોજને રોજ શિવ વધુને વધુ બગડતો જાય છે એને વિષેની ફરિયાદો એમના કાને આવતી જ રહી અને છાનાં આંસુ તેઓ સારતા જ રહ્યા.
મુખી હમણાં જ માસ્તરને કહી ગયા હતા. ‘માસ્તર સાહેબ તમારા જેવા દેવને ત્યાં આવો રાક્ષસ દીકરો થઈને ક્યાંથી આવ્યો ?’
એક વાત નિશ્ચિત હતી કે માસ્તરને વિષે ગામમાં જે આદરભાવ