આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
ખાખનાં પોયણાં
સંઘરાઈને પડેલો વેદના એમની આંખોમાંથી આંસુની ધારા બનીને વહેતી હતી.
અને પ્રસાદ રૂખીની કાખમાંથી ઉતરીને ધરતી પર ઘૂંટણીએ થતો દાદા પાસે આવ્યો. એમના દેહનો ટેકો પકડીને ઊભો થયો. દાદાની સાથે ગેલ કરવા મથતો હતો.
માસ્તર પ્રસાદના મસ્તકે પ્રેમાળ કર ફેરવતા કહી રહ્યા હતા. રૂખીને સાંભળાવવા જ તેઓ બોલતા હતા ‘હવે તો અદીઠી આગમાં આ તનડું શેકાયા કરે છે, મારા દીકરા !’
પણ પ્રસાદ તો એના તાનમાં મસ્ત હતો. દાદાના ખોળામાં ખેલવા એ ઉત્સુક બન્યો હતો. હળવે રહીને તેણે દાદાના પેટ પર આાસન જમાવ્યું ને પોતે દાદાને કેવા પરાસ્ત કર્યા છે તેનો આનંદ માણતો હોય એમ ખિલખિલાટ હસી રહ્યો હતો.
દુઃખના દાવાનળમાં સળગતા માસ્તરના મનને પ્રસાદનું નિર્દોષ હાસ્ય શાંત્વન દેતું હતું.