‘શિવ ! બેટા ! જોજે મારું મોત બગાડતો ?’ તેવા દીન
વચનો હતા માસ્તરના: વૃદ્ધાત્વ, અશક્તિ અને અસહાયતા, સિંહને પણ કંગાલ બનાવી મૂકે છે અને જેઓ એક વખત તેની સમક્ષ
ઢૂંકી શકતા ન હતા તેવાં શિયાળવાં પશુ સિહની મજાક કરતા હોય
છે. માનવીના સંબંધમાં પણ એવું જ કાંઈક છે ને ? નહિ તો દેવશંકર
માસ્તરનો એક વખત જમાનો હતો. સૌના આદરભાવ પામતા
આ માસ્તરની સૌ અદબ જાળવતાં પણ આજે તેઓ પોતાના દીકરા
પાસે દીન બનીને પોતાના હાથ લંબાવી રહ્યા હતા. પોતાના દેખતાં,
પોતાના જીવતાં પોતાની પ્રતિષ્ઠાના લીરા ન ઊડે તે જોવાની જ
તેમની એક માત્ર અંતિમ ઇચ્છા હતી. તેઓ જાણતા હતા કે જે
પ્રતિષ્ઠા તેમણે ગામમાં સ્થાપતિ કરી છે તેની પાછળ પોતાનો અને
ચંચળનો કેટલો શ્રમ, અને ત્યાગ પડેલો હતો.
પણ શિવને પિતાની વાત કાનમાંથી હૈયામાં ઉતરતી જ ન હતી ને! માસ્તરે તેની સમક્ષ ભીખ માંગી તે પહેલાં રૂખીએ તેની સાથે બરાબરનો મોરચો માંડ્યો હતો. શિવ ઊભો ને ઊભો સળગી જાય તેવા શબ્દોમાં તેણે ડામ દીધા હતા.
તેણે કહ્યું હતું, ‘આવા રખડેલ, જુગારીની બૈરી પછી કાળાં ધોળાં ન કરે તો શું કરે? ધણીને ભરખી જાય ?’
અને શિવે પણ પત્નીના સકારણ રોષને ગણકાર્યા વિના જ જવાબ દીધો હતો.
'તો તને કોણે બાંધી રાખી છે ? વહેલા મોડા તું એ કરવાની જ છું ને!’
ને રૂખીના હાડ સળગવા લાગ્યાં. માથું કૂટતાં, આક્રંદ કરતાં તે બોલી, ‘તમે તો એમ જ ઇચ્છો છો ને? જરા લાજશરમ છે ? ગમે તેમ તો પણ હું બ્રાહ્મણની દીકરી છું. તમારી તો નહિ પણ મારા બાપની આબરુનો મને ખ્યાલ છે.’