લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાળજાનો ઘા
૧૩૩
 


ઝઘડો વધી પડે તે પહેલાં શિવ બહાર નીકળી ગયો. એક તો ગઈ કાલે જે કાંઈ બની ગયું હતું તેની શરમ તેની આંખોમાં હતી એટલે પત્ની સાથેનો ઝઘડો લંબાવવાથી તેના જે અનર્થો પેદા થવાના હતા તેનો તેને ખ્યાલ હતો, એટલે મૂંગો મૂંગો તે બહાર નીકળી ગયો.

તો બહાર માસ્તરે એને પકડ્યો ને પોતાની પ્રતિષ્ઠાની ભીખ માંગી, એથી પત્નીના ગુસ્સાને ગળી ગયેલો શિવ, માસ્તર પર ઉકળી પડ્યો ને તોછડાઈથી બોલ્યો, ‘તમારું મોત ક્યાં બગાડું છું ?’

માસ્તરે કહ્યું, ‘બેટા! ગામમાં હું જે સાંભળું છું તેથી મને લાગે છે કે તું મારું મોત બગાડીશ.’ ને આર્દ સ્વરે કહ્યું, ‘તને આ શું સૂઝ્યું છે એ તો કહે? ઉચ્ચ જાતમાં જન્મ્યા છતાં નાના હલકા લોકોના લક્ષણો તારામાં ક્યાંથી આવ્યાં? જીંદગીભર મેં કોઈ વ્યસન રાખ્યુ નથી. જુગાર વિષે હું જાણતો પણ નથી છતાં તારામાં આ બધું ક્યાંથી આવ્યું ?’

'તમે શા માટે મારી ચિંતા કરો છો?’ શિવે કહ્યુંને ઉમેર્યું, 'હું મારી ચિંતા કરું એવો સમર્થ છું; તમને ન ફાવે તો હું તમારા ઘરમાં ન આવું પછી તમને શું જોઈએ ?’

કેવી વિચિત્ર વાત હતી ? પોતે તો શિવને સલાહ દેતા હતા; પણ શિવ એના કેવા જવાબ દેતો હતો? મર્યાદાનો લોપ કરીને કેવાં કડવાં વેણ સંભળાવી રહ્યો હતો ?

‘ના રે બેટા !’ માસ્તરે જવાબ દીધો ને કહ્યું, 'તું શા માટે ન આવે? આ ઘર તો તારું છે, મારું શું છે અહીં કહે તો બે ટાણા તારી વહુ થાળી ઠેલી મૂકે છે તેમાંથી ભાવે તેટલું ખાઈને પડી રહું છું. મારે અને આ ઘરને હવે શો સંબંધ છે?’

‘તો પછી તમ તમારે શાંતિથી જે કરતા હો તે કરોને!’ શિવ માસ્તરના દિલ પીગળાવી નાંખે તેવા વચનોથી પીગળ્યો હોય એમ જણાતું હતું.