‘હદ તો હજી હવે થશે જ્યારે ફરીને તું પોલીસના પંજામાં
સપડાઈશ.’ માસ્તર આગળ વધી ગયા. પોતાના દીકરા વિષે આવી
ભવિષ્યવાણી પોતાના મુખમાંથી કેમ નીકળી પડી તે પણ તેમને
સમજાતું ન હતું.
‘જોઈ લેવાશે એ તો !’ શિવે પણ તુચ્છકારથી કહ્યું ને દૂર જતાં બોલ્યો, 'પડશે એવા દેવાશે. તમે તમારે નિરાંતે ખાજો પીજો ને મજા કરજો ! સાંભળો તો પણ દોડતા ન આવશો !’
શિવ વિદાય થયો અને માસ્તર તેને પોતાની નજરથી દૂર થતો જોઈ રહ્યા; જ્યારે તેમણે પાછું વળીને જોયું. ત્યારે તેમના કાને ઘરમાં બારણાની આડે ઊભી રહેલી રૂખીના હિબકાં સંભળાયા, ને પ્રસાદનો રડતો સ્વર સાંભળ્યો.
માસ્તર અબોલ થઈને આંગણાની ઓટલી પર ફસડાઈ પડ્યા. પોતાના કપાળ પર હાથ મૂકતાં તેમણે નિસાસો નાંખ્યો ને સ્વગત બબડ્યા, ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.’
આ વાતને હજી ઝાઝા દિવસો થયા ન હતા ત્યાં તો આખા ગામમાં હોબાળો મચી ગયો. ગઈ રાતે વળી પાછું જુગારીઓએ ઘણું મોટું ધાંધલ મચાવ્યું હતું. અને તેમાં એક બેના જીવ પણ ગયા હતા. પોલીસે નાસી જતા ગુન્હેગારોનો પીછો પકડ્યો હતો અને તેમને પકડી લીધા હતા. એમના હાથમાં લોખંડની બેડીઓ જકડાઈ ગઈ હતી.
શિવ પણ તેમાં હતો. પોતાના સાથીદારો સાથે હાથમાં લોખંડની બેડી સાથે તે પોલીસ થાણામાં બેઠો હતો ત્યારે પરિસ્થિતિનો ડંખ તેના દિલને ડંખતો રહ્યો હતો. બે પગ વચ્ચે માથું નાંખીને બેસી રહ્યો હતો. થાણામાં ધમાલ મચી ગઈ હતી. બે માણસોના મરણ નીપજ્યા હતા. એટલે એના કાગળિયા કરવા વડા મથકેથી મોટા સાહેબો ઉતરી આવ્યા હતા.