લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
ખાખનાં પોયણાં
 

આખા ગામમાં વાત પ્રસરી રહી હતી અને શિવને પણ સંડોવાયેલો જોતાં માસ્તર પ્રત્યેની અનુકંપાથી સૌનાં દિલ દ્રવી ઊઠતાં હતાં. માસ્તરને પાછલી જિંદગીમાં જે ફટકા પડી રહ્યા હતા એનો અફસોસ સૌને થતો હતો.

સાંજ સુધી માસ્તર શિવની ખબર કાઢવા ન ગયા કે આંગણામાં ઊભા રહીને ન તો તેમણે કોઈને પ્રશ્ન કર્યો કે શિવને પોલીસે કેમ પકડ્યો છે? આખા દિવસ તેઓ ઘરમાં જ ભરાઈ રહ્યા, ન તો બહારના ઓટલે પણ બેઠા કે ન તો પ્રસાદને પણ હેતથી હૈયા સરસો ચાંપ્યો. જિંદગીમાં આવો ઘા તેમણે ક્યારેય સહન કર્યો ન હતો. પત્ની પોતાને છોડીને વિદાય થઈ ત્યારે પણ એમની આંખમાં આંસુ આવ્યાં ન હતાં. તેમણે પોતાના મન પર સંયમની લગામ એટલી મજબૂતાઈથી નાંખી હતી કે મનનો ઘોડો ક્યારેય ચસકી શકે તેમ ન હતો. એટલે શિવ પોલીસના હાથમાં સપડાયો છે એવા સમાચાર જ્યારે તેમને મળ્યા ત્યારે પહેલાં તો પિતૃવાત્સલ્ય ઉછળી આવ્યું. એમ પણ થયું કે એક વખત મુખીએ તો તેને પોલીસના પંજામાંથી છોડાવ્યો હતો તો આ વખતે તે પોતે જ જાય અને ફોજદારને વિનવીને શિવને છોડાવી લાવે પણ બીજી પળે તેમણે મનમાંથી આ વિચારને દૂર હડસેલી દીધો. શા માટે પોતે જાય ? લોકોના ટિખળનો ભોગ બનવા ? લોકોના શબ્દબાણો ઝીલવા ? ના ના, પોતાનામાં હવે એવી હિંમત જ નથી રહી કે જેથી તે લોક સામે ઊભા રહી શકે ? શિવને વિષે આખું ગામ જાણે છે: એ કેવો છે તે પોતાના કરતાં ગામના લોકો વિશેષ જાણે છે.

દિવસ પૂરા થવા આવ્યો : શોકમગ્ન બનીને ટુંટિયું વાળીને પોતાની પથારીમાં માસ્તર પડી રહ્યા હતા. સવારના મુખપ્રક્ષાલન સિવાય તેમણે કાંઈ જ કર્યું ન હતું. ચાહ પીવાની પણ તેમણે તમા કરી ન હતી, તો અંદરના ભાગમાં રૂખીની હાલત પણ એવી જ હતી.