ઘરમાં આજે જાણે અગિયારસ ઘુમ્મરીઓ લેતી હતી. નાનો પ્રસાદ પણ પરિસ્થિતિ પામી ગયો હોય એમ પડી રહ્યો હતો, વચ્ચમાં તે ઊઠ્યો હતો અને ભૂખથી પીડાતાં રડતો હતો. ત્યારે રૂખીએ તેના હાથમાં ગઈ રાતના રોટલાનું બટકું મૂકી દીધું. જે ખાઈને પાછો સૂઈ ગયો હતો. આંસુની ગંગા જમના વહાવીને તેનું મુખ પણ મ્લાન બની ગયું હતું. ક્યારેક એના મનમાં થયું કે પોતે માસ્તરને વિનવીને તેમને મોકલે, તપાસ તો કરી આવે કે મામલો શો છે ? અને તે બહાર પગ દેતી ત્યારે માસ્તરની હાલત જોતાં વાત કરવાની હિંમત તેનામાં પેદા થતી ન હતી.
‘અરે માસ્તર ઘરમાં છે કે ?’ ગંભીર શૂન્યતાને ચીરતો અવાજ માસ્તરના કાને અથડાયો ને જાણે મૃત્યુગાહમાંથી ઊઠતા હોય એમ માસ્તરે પથારીમાં બેઠા થઈને જવાબ દીધો.
‘હા. ભાઈ ઘરમાં જ છું !’ એ અવાજ ધીમો હતો. દર્દ દુઃખથી ઘેલો બની ગયો હતો.
‘તો શિવનું શું કરવાનું છે ?’ માસ્તરને પ્રશ્ન થયો. એ પ્રશ્નકાર મુખી પોતે જ હતા. માસ્તરે તેમને ઘરમાં આવતા જોયા અને પથારીમાંથી ઊભા થતાં મુખીને જવાબ દેવા માંડ્યો.
'શું કરવાનું છે મુખી ?’ વળતા પ્રશ્ન થયો.
‘તમે તો દેખાયા જ નહીં ને?’ માસ્તરની પથારીની કોર દબાવીને બેસતાં મુખી બોલ્યા.
અંદરના ભાગમાં થોડો સળવળાટ થયો : અચેતની મૂર્તિશી રૂખી પણ વાત સાંભળવા દીવાલ પાસે આવી હોય એમ લાગતું હતું, ને પ્રસાદ રડતો હતો.
‘શું આવું મુખી ?’ માસ્તરની આંખોમાં ગમગીની હતી; કહ્યું, ‘આ કાળું મોં હવે કોને દેખાડું ? કુલાંગારે મારું તો મોત બગાડ્યું.’