લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
ખાખના પોયણાં
 

ને પછી કાંઈક યાદ આવ્યું હોય એમ તેઓ બોલ્યા, ‘મારી સામે તો ભલે ન જોયું, પણ આ નાનકડા પ્રસાદની અને તેની માની તો દયા ખાવી હતી ?’

બોલતાં બોલતાં હૈયું હાથ ન રહ્યું. ગળામાં ભરાઈ આવેલો ડૂમો અવ્યક્ત રહી શક્યો નહિ: તેમણે ધ્રુસ્કા નાંખવા માંડ્યા: ગદ્‌ગદ્‌ કંઠે કહેવા લાગ્યા, ‘મુખી તમે પણ ઘણું કર્યું…’

માસ્તરનું આક્રંદ જોઈને મુખીનું હૈયું પણ વલોવાઈ જવા લાગ્યું. અંદર બેઠેલી રૂખીનાં ડૂસકાં પણ સંભળાતાં હતાં.

મુખીએ કહ્યું, ‘માસ્તર કાલ સવારે તો તેને શહેરમાં લઈ જશે તે પહેલાં એકવાર તો તમે મોંએ થઈ આવો ! જે થયું તે ખરું ! પણ પેટ છે, માસ્તર તમે હવે હિંમત રાખો ને તેને પણ હિંમત તો આપો.’

‘અરે મુખી !’ બોલતાં બોલતાં માસ્તરે પોતાનું કપાળ કૂટ્યું ને કહ્યું, ‘હું શી રીતે હિંમત રાખું ? ને એને પણ શી હિંમત આપું ? આ તે કયું સારું કૃત્ય છે કે દીકરો દેશાવર જાય છે તે વળાવા જવાનું મન થાય ?’

‘છતાં પણ પગ પર પાણો પડ્યો છે તે દૂર કર્યા વિના ચાલવાનો છે માસ્તર ? ર્કોટમાં એનો બચાવ કરવા વકીલ તો કરવો પડશે ને? માવતરથી કાંઈ મૂંગા મરી રહેવાય છે?’

પણ માસ્તરનું મન માનતું ન હતું, એમના દિલનો ઘા મુખીના દિલાસા ને આશ્વાસનોના મલમપટ્ટાથી પણ રૂઝાતો ન હતો.

તેમણે કહ્યું, ‘એમ કરો મુખી ! તમે રૂખીને અને પ્રસાદને લઈ જાવ અને મારા વતી કહેજો કે તું તારા કર્મો ભોગવે ત્યાં સુધી તારો બાપ જીવતો હશે તો તારી વહુ ને દીકરાને જાળવશે: એની ચિંતા ન કરતો!’