લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાળજાનો ઘા
૧૪૫
 

કોઈ તમાસો કરી બેસશે એવો તો એમને ક્યાંથી ખ્યાલ હોય ? અને તેમાં પણ બ્રાહ્મણ સ્ત્રી આવા વેણ કાઢશે એમ પણ તેઓ કોઈ માની શકે?

તેમના કાળજામાં શિવે ઘા કર્યો હતો. એ ઘામાંથી રક્ત વહી જતાં તેઓ જીવન હારી બેઠા હતા, પણ રૂખીએ તો તેમના કાળજાને ચીરી નાખ્યું હતું. મોતને પણ તેઓ કદાચ રૂખીના ઘા કરતા મીઠું માની લેત; એમની હાલત તો કહી જાય તેવી ન હતી. પણ સાથે જ તેઓ કાળ અને સ્થાન પરત્વે એટલા સભાન હતા કે તેઓ શાંતિથી રૂખીને સમજાવવા લાગ્યા.

‘વહુ બેટા ! આવાં આકરાં વેણ આપણા મોંમાં ન શોભે! આપણે કાંઈ કોળી વાઘરી છીએ બા?’

પણ રૂખીના મન પર ક્રોધનું ભૂત સવાર થઈ ગયું હતું. લગ્ન જીવનનો આનંદ તો તેણે માણ્યો ન હતો, અત્યાર સુધીનો તેનો સંસાર રગડદગડ ચાલતો હતો. એમાં પ્રસાદના જન્મ પછી માસ્તરને શાંતિ થઈ હતી કે હવે વહુનો જીવ ઘરમાં ચોટશે પણ રૂખીના શબ્દોએ માસ્તરને પણ સમજાયું કે ચોરીમાં દાઝેલી વહુ આજે સંસારને આગ ચાંપવા બેઠી છે.

રૂખીએ કહ્યું, ‘કોળી વાઘરી તો તમારા કરતાં ઘણા સારા, પોતાની પરણેતર અને પોતાના પેટનાની તો સંભાળ લે છે ને ?’

‘પણ એ તો બનવા કાળે બની ગયું. કાલે એ પાછો આવશે ને શાંતિ થશે.’ માસ્તરે તેને મનાવવા માંડી.

‘હવે એવો કોઈ અભરખો મને નથી રહ્યો.’ રૂખીએ માસ્તરને પણ જવાબ દીધો ને શિવ સામે સામે રાતી આંખો કરતાં પૂછ્યું ‘પરણ્યાને આટલા વર્ષો થયાં કો’ દિ મારી સારસંભાળ લીધી છે?’

શિવ અનુત્તર હતો.