૧૦
ઊંબરો ઓળંગ્યો
જિંદગીનો સરવાળો અત્યારે જ પૂરો થતો હોય એમ પંડ્યા માસ્તર, પ્રસાદને હૈયા સરસો દબાવીને સૂતા હતા, છતા એમની આંખો સામે પોતાના જિવનના છેલ્લા સ્મરણો વ્યક્ત થઈ રહ્યા હતા. પુત્ર તો કપૂત નીવડ્યો, પણ કુળને ઉજાળનારી પુત્રવધૂ તો શિવ કરતાં પણ વધુ કપાતર નીવડી. શિવ સાથે તેને જાણે કોઈ સંબંધ ન હોય, એમ તેણે પોતાનાં સૌભાગ્ય ચિન્હો હાથમાંથી ઉતારીને શિવને આપી દીધાં ને એથીય પણ અદકું તો પોતાના પેટના દીકરાને પણ ઉતારી દીધો, કેવું વિનાશક એ દૃશ્ય હતું ? સંસારમાં પતિ પત્નીનો સંબંધ આવો સાવ સામાન્ય બની રહે તો સંસાર જીવી કેમ શકે ? પુરૂષોના કુછંદ કાંઈ નવા છે ? રાવણ જેવો પણ પરસ્ત્રીના મોહમાં ક્યાં અંધ બન્યો ન હતો ? સીતાને ઉઠાવી લાવ્યો ને એને માટે લંકાનો સર્વનાશ કરવા તૈયાર થયો છતાં એની પત્ની મંદોદરીએ રૂખીની જેમ કર્યું ન હતું તો ?
માસ્તર ઉઘાડી આંખે પથારીમાં પડ્યા પડ્યા રૂખીના વર્તન વિષે વિચારતા હતા. પોતાનો દીકરો રાવણ જેવો તો નથી ને ? જુગારની લત એને વળગી છે એ સાચું પણ એથી તેના કર્મોની સજા તે ભોગવે છે ત્યારે રૂખીએ એની સાથેના સંબંધનો આવો