જતી જણાઈ ‘વાણીયા બ્રાહ્મણના પરણેતર એ પરણેતર ! બાકી બધાં ઠીક, મન મનાવવાના ખેલ.’ એમ માનતાં માસ્તરના મનને આંચકો આપે તેવો આ વિચાર હતો. રૂખી છતાં ધણીએ બીજાનું ઘર માંડે ? માસ્તરના બ્રાહ્મણ દેહની છાતી બેસી જાય તેવો આ પ્રશ્ન હતો.
સ્વગત બોલી ઊઠ્યા ‘બાપ રે!’
એમનું કાળજું હોલાની જેમ ફફડતુ હતું; ‘રૂખી આટલી હદે જઈ શકે?’ પ્રશ્ન ઊઠ્યો.
‘એવું જ કાંઈક તેણે વિચાર્યું હશે ને ?’ અંતરના ઊંડાણમાંથી જવાબ મળ્યો ને એના મનમાં પડેલો તણખો પ્રજ્વળી ઊઠ્યો; એ જવાબ કહેતો હતો ‘ધણીના નામની બંગડીઓ કાઢી નાંખીને, પેટના જણ્યાને દાદાને ભરોસે મૂકી દીધો એનો અર્થ તો એવો જ થાય ને કે તે હવે પોતાને સૂઝતું કરવા માંગે છે ?’
માસ્તર મનમાં ઊઠતા આગના તખણા જેવા આ વિચારોમાંથી મૂક્ત થવા માંગતા હતા. બારણાં બંધ હતાં. ઘરમાં ઘોર અંધકાર હતો. ખાટલામાં પોતાની પડખે પ્રસાદ નિરાંતની ઊંઘ લઈ રહ્યો હતો. માસ્તરની માયામાં તે રત હતો એટલે રૂખીએ તેને પોતાની કેડમાંથી ઉતારીને બાવડામાંથી પકડીને જ્યારે માસ્તર પાસે મૂક્યો ત્યારે તે માસ્તરના અંકમાં એવો લપાઈ ગયો હતો કે માની મમતાના તાર તેણે, માના અંતરભાવો સમજીને જ તોડી નાંખ્યો કેમ ન હોય ?
પોતાના પડખામાં જ નિરાંતની નિદ્રા લઈ રહેલા પ્રસાદના મુખને અસાવધ હાલતમાં માસ્તરે ચૂમી લીધું. એના દેહ પર હળવે હળવે કર ફેરવ્યો. પ્રસાદને વિશ્વાસ દેતા હોય એમ, પછી તેમણે એક મોટું બગાસું ખાધું ને ભગવાનનું સ્મરણ કરતાં મોટા સાદે બોલ્યા ‘સૌનાં લેખાં લેનારો તું બેઠો છું બાપ !’
માસ્તર આ શબ્દો બાજુના ઓરડામાં સૂતેલી રૂખીને સંભળાવવા