લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
ખાખનાં પોયણાં
 

માટે જ બોલ્યા હતા. રૂખી પણ એ શબ્દોનો મર્માર્થ સમજી ગઈ હતી પણ તેને જવાબ દેવાનું ઊચિત જણાતું ન હતું. ચૂપચાપ એ પોતાના નિશ્ચયને અમલમાં મૂકવા માંગતી હતી. પોતે હજી જાગૃતાવસ્થામાં છે એનો આભાસ માસ્તરને થાય નહિ તેની કાળજી રાખતી. મનમાં વિચારણાના મણકા ગોઠવતી હતી, અત્યારે તો તે પિતાને ત્યાં જ પાછી ફરવા માંગતી હતી. ગુસ્સો એના મન પર એટલી હદે કાબુ જમાવી બેઠો હતો કે પોતાના પેટના દીકરા પ્રત્યેની માયા, મમતા પણ તેણે ઉતારી દીધી હતી.

‘જેના લાગ્યા જે ભાગવે !’ તેણે મન સાથે વાત કરવા માંડી ને કહ્યું, ‘મુઓ જુગારી, મને આ જિંદગીમાં શાં સુખ આપવાનો હતો તે આ કુતરા બિલાડા જેવા સંસારમાં શું બળ્યું છે?’

તે પોતાના નિશ્ચયમાં એટલી અડગ હતી કે પ્રભાતનો પહેલો પહો ફાટ્યો ત્યારે તે એકદમ પથારીમાંથી ઊભી થઈ, ને પોતાનાં કપડાં ફાટ્યા તુટ્યાં ગાભા સહિતની એક પોટલી બાંધી, ને તેણે હળવેથી બહારના ભાગમાં પગ દીધો ત્યારે માસ્તર પ્રભાતના ઠંડા પવનમાં નિદ્રાધીન બન્યા હતા, એમનો મનોવ્યાપાર શાંત પડ્યો હતો; પડખે જ ગલગોટા જેવો પ્રસાદ સૂતો હતો. ‘માસ્તરનો એક હાથ એના પર એવી રીતે મૂકાયેલો હતો કે જાણે તેને કોઈ પોતાની પાસેથી ઊઠાવી જવાનો ભય એમના મનમાં વ્યાપી રહ્યો હોય!

અનિચ્છા છતાં રૂખીની નજર પ્રસાદ પર ગઈ, અને તેના હૈયામાં દબાઈ રહેલું માતૃત્વ ઉછાળા મારવા લાગ્યું, એનો આવેગ વધી ગયો. પ્રસાદના ગલગોટા જેવા ગાલને ચૂમી લેવાનું મન થયું, છેલ્લી જ વાર તેનું હેત વરસી જવા માંગતું હતું. હવે પોતે પ્રસાદને ક્યારે જોવા પામશે? એવો પ્રશ્ન પણ એના મનની મરુભૂમિમાં ઊઠ્યો ને માતૃ દિલ દ્રવી રહ્યું, હળવે પગલે તે ખાટલા તરફ આગળ વધી