ને ખાટલાની ઠેઠ પાસે જઈને બે પળ અનિમેષ નજરે તે દીકરા સામે જોઈ રહી, ઊંઘમાં પડેલા પ્રસાદના હોઠ પર સ્મિત ફરકી રહ્યું, પોતાની જનેતા, પોતાનો સદા માટે ત્યાગ કરી રહી છે એવું જાણીને માતૃત્વ પ્રત્યે જાણે હસતો કેમ ન હોય ?
રૂખીનું હૈયું હાથ ન રહ્યું; કાળમીંઢ પથ્થરોની શીલા વચ્ચે થઈને પણ સરિતાના વહેણ પોતાનો માર્ગ શોધી શકે છે ને વહી જાય છે તેમ, રૂખીના હૈયામાં રહેલું માતૃત્વ પણ એના દિલમાં ભરેલા પાષાણોની વચ્ચેથી માર્ગ કરીને વહેતું હતું. પ્રસાદને ચૂમવા તે નીચી નમી, પણ હાય રે નસીબ ! પ્રસાદને જ એ ગમતું ન હોય એમ તેણે મોં ફેરવી લીધું; ને દાદાની સોડમાં મોં સંતાડી દીધું.
રૂખીની આંખમાંથી આંસુનાં ટપકાં પડ્યાં... તે સ્વસ્થ થઈ અને માસ્તર જાગી જાય તે પહેલાં ઘરનો ઊંબરો છોડી દેવા ઊતાવળી થઈ, હાથમાં પોટલું પકડીને તે આગળ વધી અને ઊંબરા બહાર પગ દેવા જાય છે ત્યાં તો માસ્તરનો અવાજ સંભળાયો.
‘વહુ !’
રૂખીનો પગ થંભી ગયો. પાછું જોયા વિના જ તેણે જવાબ દીધો. 'તમે જાગી ગયા ? ઠીક થયું !’ ને ઉમેર્યું ‘હું તમારું કાંઈ જ લઈ જતી નથી, જે છે તે બધું તમારા હાથમાં આવે તે રીતે મૂક્યું છે.’
ને તેણે ઊંબરો ઓળંગવા પગ ઉઠાવ્યો.
'પણ આવું હિણપતભર્યું પગલું શા માટે ઉઠાવો છો વહુ?’ માસ્તરના સ્વરમાં નરી આર્જવતા હતી; મર્દાનગી જાણે ભૂ પીતી થઈ ગઈ હોય એમ યાચક વૃત્તિ શબ્દોમાં ભારોભાર જણાતી હતી.
‘મને એનો જવાબ દેવાની જરૂર નથી જણાતી!’ રૂખી