મંગળા એ હાથને દૂર કરતી ને મનમાં મૂંઝાતી હતી, ત્યાં તો પ્રસાદે તેના સ્તન પ્રદેશને ચૂસવા માંડ્યું.
ને મંગળાનો આખો દેહ કોઈ અજબની મસ્તી અનુભવી રહ્યો. એના અંતરનો ઉમળકો હિલોળે ચઢ્યો. ઊર્મિઓ નર્તન કરવા લાગી જેમ જેમ પ્રસાદ એના કુમકુમની ઢગલી શા સ્તન બે હાથે પકડીને જોરથી ચૂસતો હતો તેમ મંગળા સ્પંદનથી અદ્ભૂત રોમાંચ અનુભવતી હતી.
પણ પ્રસાદ હાર્યો; એની આશાઓ નિષ્ફળ ગઈ. મંગળાના પયપાનનો પ્રયત્ન, એની ક્ષુધાને સંતોષી શકે તેમ ન હતો એટલે છેલ્લા ઉપાય તરીકે તેણે રૂદન શરૂ કર્યું.
પ્રસાદને છાનો રાખવા, મંગળાએ ઊભો કર્યો ને એની સામે દયામણો ચહેરો કરીને બોલી, 'તને ભૂખ લાગી છે પણ માસ્તર કાકા હજી ક્યાં ભાનમાં છે? ને કોણ જાણે તારી મા અત્યારમાં ક્યાંય ગઈ હશે ?’
અને સક્રોધ બોલી, 'છોકરાની માને ગતાગમ નહિ પડતી કે રાતનો ભૂખ્યો છોકરો સવારમાં કાંઈ માંગશે ?’
મંગળાના વચનો માસ્તરના કાને પડતાં જ એમની આંખમાંથી વહી જતાં આંસુ અટકી પડ્યાં, જીવકોરને પોતાની સમક્ષ જોઈને દિલની ઊંડી વેદના વ્યક્ત કરતા નિશ્વાસ નાંખ્યો.
ને કહ્યું, ‘મંગળા ! એને માટે દૂધ લઈ આવ તો, જરા, ઉતાવળી થાજે તો !’
મંગળા પ્રસાદને ઊંચકીને દૂધ લેવા ઉપડી, બોલી, ‘લે ચાલ! તારા માટે દૂધ લઈ આવીએ.’ તે પછી એને હૈયે ચાંપતાં સ્વગત બબડી, 'મારા થાનમાં તે દૂધ ક્યાંથી હોય ?’