લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાખનાં પોયણાં
 

જાતવાળાં ગામોમાં ફરી વળતા. કોનો છોકરો સારો છે, ક્યાં મંગળા સુખી થાય તેમ છે એ બધા પ્રશ્નો સામે રાખીને તમામ સ્થળો પર દૃષ્ટિ દોડાવતા પણ ક્યાંય નજર ઠરતી ન હતી ત્યારે આખરે થાકીને ભાગ્યનો આશરો લેતા. ભગવાને જે એના નસીબમાં લખ્યું હશે તે થશે!’

‘તમારા ખિસ્સામાં ભલે ન હોય, પણ તમે તો છો ને?’ મહા પ્રયત્ને વ્યથાભર્યા દિલે જીવકોર બોલી.

‘હું તો પ્રયત્નો કરું છું પણ…’

‘ના મારે હવે પ્રયત્ન કરવો જ નથી !’ જીવકોર હૈયું મજબૂત કરીને બોલતી હતી. તેણે કહ્યું, ‘તમે જ મંગળાને શરણમાં લો.’

જીવકોર હિંમતપૂર્વક આટલા શબ્દો બોલી તો ગઈ પણ પછી ભાંગી પડી હોય એમ તેણે પોતાનું મોં પાલવમાં સંતાડી દીધું.

જીવકોરની વાત સાંભળતાં જ માસ્તરને માથે જાણે આભ તૂટી પડ્યું હોય એમ આકળવિકળ થઈ ગયા. એમની કાયાને કંપ લાગ્યો. પૃથ્વી જાણે ધ્રુજતી લાગતી, અને ગોખલામાં પડેલા કોડિયાનો દીવો બુઝાતો લાગ્યો.

ત્યારે સાડીના પાલવમાં મોં સંતાડી રહેલી જીવકોરના હીબકા વાતાવરણને વધુ ઘેરું અને કરૂણાભર્યું બનાવી રહ્યા હતા. ને પાસે બેઠેલી મંગળાએ તેમના પ્રતિ પૂંઠ ફેરવી લીધી હતી, પ્રસાદ તરફ મોં રાખીને આંસુની ધારા વહાવતી હતી.

‘ભાભી !’ પ્રયત્નપૂર્વક પંડ્યા માસ્તરે શાંતિનો ભંગ કરતાં કહ્યું, ‘તમે આ શું બોલો છો ? મારા જેવા મૃત્યુનો સથવારો શોધતાં માણસની આવી ક્રૂર મજાક કરો છો ? જીવતર તો આખું સળગી ગયું છે, પણ હવે આવતો ભવ પણ તમે સળગાવી દેવા માંગો છો?’