પાંદડું ખરી પડ્યું !
માસ્તરના વેરાન જીવનમાં મંગળાનું આગમન અકસ્માત હતું, તો સમાજમાં માસ્તરની જે પ્રતિષ્ઠા હતી તેના પર ડાઘ લગાડનારું હતું. માસ્તરે એ ડાઘ જોયા હતા, પણ એ ડાઘ એમના સંતપ્ત દિલને આગમાં હોમી દેવા સમર્થ ન હતા. કારણ કે મંગળાએ એમના સંતપ્ત દિલને શાતા આપી હતી. સૌથી મોટી જવાબદારી પ્રસાદની હતી. રૂખી પ્રસાદને તેમના ખોળામાં મૂકીને તે તેના બાપને ત્યાં ચાલી ગઈ હતી. અને પોતાને બદનામ કરવા જુઠાણા ઊભા કર્યા હતા. શાસ્ત્રીજીએ સ્વમુખે રૂખીએ તેમની સામે મૂકેલું તોહમત સંભળાવ્યું હતું. માસ્તરને ત્યારે ભારે અચરજ થયું હતું. પણ મંગળા સાથેના લગ્નની વાત જાણતાં જ રૂખીએ માસ્તર સામે મૂકેલા તહોમતમાં કાંઈક તથ્ય છે એમ હવે સૌને લાગવા માંડ્યુ.
સમાજની દૃષ્ટિમાં જ્યારે દોષ વસી જાય છે ત્યારે વ્યક્તિના ગુણોની કાંઈ કિંમત રહેતી નથી, માસ્તરની પણ એવી જ હાલત હતી. ગામની અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એક કાળે જે માસ્તરની ગણના થતી હતી તે માસ્તર અત્યારે સૌના હાંસીપાત્ર બની રહ્યા હતા. માસ્તરે મંગળાનું પાણીગ્રહણ કરીને મંગળાના જીવનને બચાવી લીધું છે એ વાત ન તો માસ્તર કોઈને કહી શકતા હતા કે ન તો