લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
ખાખનાં પોયણાં
 

ઉતાવળિયું તો હતું જ, પણ ભારોભાર અન્યાય ભર્યું પણ હતું. થોડોક વિચાર કર્યો હોત તો...

ને તેણે મનોમન ભગવાન પાસે પોતાના ઘોર અપરાધની ક્ષમા યાચી ! જેમ જેમ તે પોતાની ભૂલ વિષે વિચારતી થઈ તેમ તેમ તેને સમજાયું કે પોતાનું મન જે તોહમત મૂકી રહ્યું છે તે તોહમત સર્વથા યથાર્થ છે. પોતે જ માસ્તર અને મંગળાની જિંંદગીમાં આગ ચાંપી છે: પણ હવે એનો કોઈજ ઉપાય નથી.

અને તેના દિલની વ્યાકુળતા વધી પડી. જિંદગીના છેડે ઉભેલા દેવપુરુષ માસ્તરને માટે પોતે જે આફતો ઊભી કરી તેનો પસ્તાવો તેના દિલને કોરી ખાતો હતો. રહી રહીને મનમાંથી કોઈક કહેતું હતું, ‘માસ્તરની ક્ષમા માગી લે ! માસ્તરને તેં છેતર્યા છે એના પાપનું પ્રાયશ્ચિત કરી લે!’ અને તેણે માસ્તરને સંદેશો મોકલ્યો:

જીવકોરની જીવલેણ માંદગીના સમાચાર મળતાં જ મંગળા ચિત્કાર પાડી ઊઠી, વલોપાત કરવા લાગી. ને માથાં પછાડતાં કહેવા લાગી. ‘ઓ ફૂટ્યા નસીબની મંગળા, તારા કારણે કેટકેટલાંને વગર મોતે મરવું પડે છે એ તો જો ! અહીં માસ્તરના જીવતરને સળગાવી દીધું તો ત્યાં મા અકાળે મરવા પડી છે; તું પેદા જ ન થઈ હોત તો ? ને પેદા થઈ તો, તારા નસીબને તેં જ ફોડી નાંખ્યા હોત તો ? આ હૈયાહોળી તો જોવાની ન આવત ને ?’

માસ્તરનું દિલ મંગળાનો વલોપાત જોઈને દ્રવી ઉઠ્યું, તેમણે મંગળાને બાથમાં લીધી અને આંસુ વહાવતી મંગળાની આંખ સામે પોતાની આંખ માંડી. એ દૃષ્ટિમાંથી કરુણાનો ધોધ વહેતો હતો. માસ્તરના હૈયાનાં અમી એમની આંખો દ્વારા વહેતાં અને મંગળાની વેદનાને શાંત કરતાં.

‘મંગળા !’ માસ્તરે તેને દિલાસો આપતાં કહ્યું, ‘તારે આવા