વેણ ઉચ્ચારવાની જરૂર શી છે? તારા નસીબ ફૂટેલાં શાને છે ? આ માસ્તર તારી ઓથે ઊભો છે પછી તને ડર શાનો છે? ઊઠ ઊભી થા ! દિલનો ગમ ભૂલી જા ! તું મારા જીવનમાં આવી, જાણે દેવે મોકલી, તું આવી ન હોત તો, આ પ્રસાદના જતન હું શી રીતે કરવાનો હતો ? મારી વૃદ્ધાવસ્થાનો વિસામો બનીને તું આવી છો ! તારે આંસુ સારવાના ન હોય, ઊઠ ઊભી થા ! આપણે સત્વરે જીવકોર ભાભી પાસે પહોંચી જવું જોઈએ. તે એકલાં છે, પથારીવશ છે. એમની સેવા ચાકરીમાં કોણ હશે ? કેવી મુશ્કેલી તેઓ સહન કરતાં હશે ?’
આંસુથી મેલા થયેલા ગલગોટા શા ગાત્રોને સાડીના પાલવથી લૂછી નાંખીને મંગળા ઊભી થઈ, પ્રસાદને લીધો અને માતા પાસે જવા માટે પગ ઉપાડ્યા. એની પાછળ માસ્તર પણ ચાલ્યા. ફળિયાના લોકો આ દંપતીને છૂપી નજરે જોઈ રહ્યાં: મંગળાનો હાથ જીવકોરે પોતાના હાથમાં મૂકીને દીધો અને ગામમાં ઘરડા ઘૂવડે કૂમળી કળીનો ભવ બાળ્યો એમ કહીને લોકો માસ્તર પર પસ્તાળ પાડવા લાગ્યા ત્યારથી ઘરની દીવાલો વચ્ચે જ ભરાઈ રહેલા માસ્તર આજે પહેલી જ વાર ઘરનો ઉંબરો છોડીને બહાર નીકળ્યા હતા અને તે પણ લોક દૃષ્ટિએ પોતાની પત્ની મનાવેલી મંગળા સાથે. મંગળા પ્રસાદને વહાલ કરતી આગળ ચાલતી હતી. તો માસ્તર હળવે હળવે લોક નજરમાં રહેલા વિષને પારખતા પાછળ પાછળ ચાલતા હતા.
રસ્તે કોઈક માસ્તરને પૂછતું પણ ખરું માસ્તર સમજી જતા કે માત્ર ટીખળ ખાતર જ પ્રશ્ન કરનારો પ્રશ્ન કરે છે. એ પ્રશ્નમાં માસ્તર પ્રત્યેનું પહેલાંનું હેત નહોતું.
‘કાં માસ્તર કઈ બાજુ ? આજે કાંઈ સોજો ?’ માસ્તર હળવેથી ધીરજપૂર્વક શાંતિથી બે હાથ જોડી પ્રશ્ન કરનારને વંદન કરતાં ને કહેતાં, ‘કોણ નારણભાઈ કે ?’
‘હા! માસ્તર!’ પ્રશ્ન કરનાર નારણભાઈ માસ્તરના જવાબમાંથી